- 24 નવેમ્બરે ધડ અને માથું અલગ અલગ જગ્યાએથી મળ્યા હતા
- હત્યા બાદ માથું અને ધડને બાળી પુરાવા નાશ કરવાનો પ્રયાસ
- સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પી.એમ.બાદ હત્યા થઈ હોવાનું સામે આવ્યુ
- મૃતકની ઓળખ થઈ શકી નથી
સુરતઃ જિલ્લાના કામરેજ તાલુકાનાં દિગસ ગામની સીમમાં નહેરમાંથી અજાણ્યા યુવાનનું માથું તથા ખેતરમાંથી ધડ મળી આવ્યું હતું. આ ઘટનામાં કામરેજ પોલીસે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પી.એમ કરાવ્યુ હતું. પોસ્ટ મોર્ટમ બાદ જાણવા મળ્યું હતું કે, આ યુવાનની કોઈ અજાણ્યા શખ્સે હત્યા કરી હતી, હત્યા બાદ તમામ પુરાવાનો નાશ કરવા માથું તથા ધડને બાળવાની કોશિશ કરવામાં આવી હતી. આથી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ધડ અને માથુ અલગ- અલગ જગ્યાએથી મળી આવ્યા
મળતી માહિતી અનુસાર 24 નવેમ્બરના રોજ કામરેજ તાલુકાનાં દિગસ ગામની સીમમાં વીર રેસીડન્સીની સામેથી પસાર થતી નહેરમાંથી અજાણ્યા યુવાનનું માથું મળી આવ્યું હતું. જ્યારે દિગસથી માછી જતાં રોડ ઉપર આવેલા એક ખેતર પાસેની નીકમાંથી ધડ મળી આવ્યું હતું. અજાણ્યા યુવાનની ધડ અને માથું કામરેજ પોલીસે કબ્જે કરી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પી.એમ કરાવા મોકલવામાં આવ્યુ હતું. જેમાં આ અજાણ્યા યુવાનનું ગળું કપાવાથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.