સુરતઃ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઇ હીરા ઉદ્યોગમાં કામ કરતાં રત્નકલાકારો જવાબદાર હોવાનું એફિડેવિટ સરકાર દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવ્યું છે. જેને લઈ સુરતમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
સરકારે કહ્યું વધતા કોરોનાના કેસ માટે રત્નકલાકારો જવાબદાર આ એફિડેવિટમાં જણાવાયું છે કે, માસ્ક નહીં પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવવું, સેનેટાઇઝરનો ઉપયોગ નહીં કરવો વગેરેના કારણે સુરતમાં સંક્રમણ વધ્યું હતું. સુરતના તે વિસ્તારો કે, જ્યાં હીરા ઉદ્યોગ આવેલા છે, ત્યાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે.
હીરા ઉદ્યોગ ગણાતા વિસ્તારોમાં કેસ વધતાં હાઈકોર્ટમાં થયેલી રીટમાં સરકારે મુકેલા જવાબમાં કોરોનાના વધી રહેલા કેસ માટે રત્નકલાકારોને જવાબદાર ગણાવ્યા છે. સોગંદનામાંને કારણે રત્નકલાકારોમાં રોષ સાથે નારાજગી જોવા મળી રહી છે.
હાઇકોર્ટમાં કરાયેલા એફિડેવિટના પગલે વરાછા, કતારગામ, કાપોદ્રા સહિતના વિસ્તારો કે, જ્યાં રત્નકલાકારો કામ કરે છે અથવા રહે છે. ત્યાં પોસ્ટર લગાડવામાં આવ્યા છે. રત્નકલાકારોની માફી સરકાર માગે તેવી માગ સાથે પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે. આ અંગે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા અને રત્નકલાકાર વિકાસ સંઘના ઉપપ્રમુખ ભાવેશે આકરા પ્રહાર કર્યા છે.