- અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કો-વેક્સિનનું પ્રોડક્શન શરૂ
- પ્રથમ બેચને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાના હસ્તે રિલીઝ કરવામાં આવ્યો
- બે વર્ષથી ઉપરના બાળકો માટેની વેક્સિન ટૂંક જ સમયમાં દેશને મળી જશે: મનસુખ માંડવીયા
સુરત: અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કો-વેક્સિન (COVAXIN) નું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને પ્રથમ બેચને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાના હસ્તે રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેઓએ નાના બાળકો માટે વેક્સિન અને કો-વેક્સિનની માન્યતા માટે અગત્યની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બે વર્ષથી ઉપરના બાળકો માટેની વેક્સિન ટૂંક જ સમયમાં દેશને મળી જશે. નાના બાળકોની વેક્સિનની ટ્રાયલ ત્રીજા ફેઝમાં છે. એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર માસ સુધી WHO દ્વારા ભારત બાયોટેકની કો-વેક્સિનને માન્યતા પણ મળી શકે છે.
સપ્ટેમ્બર માસ સુધી WHO દ્વારા ભારત બાયોટેકની કો-વેક્સિનને પણ મળી શકે છે માન્યતા
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, વેક્સિનેશનનું અભિયાન વધારવા માટે અમે મેન્યુફેક્ચરિંગ વધારી રહ્યા છે. ભારત બાયોટેક કમ્પની દ્વારા ગુજરાતની ધરતી પર પ્રથમ વાર કો-વેક્સિન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે. આવનારા દિવસોમાં અમદાવાદની હાસ્ટાર બાયોલોજીકલ કમ્પની પણ તૈયારી કરી રહી છે. એની સાથે એગ્રીમેન્ટ પણ થઇ ગયું છે અને કામ પણ શરૂ થઈ ગયું છે. અમને અપેક્ષા છે કે બે મહિનામાં તેનું કામ પણ શરૂ થઈ જશે. આગામી મહિને 23 કરોડ ડોઝ આપવામાં આવશે. ભારત માટે આ ગૌરવની વાત છે. આવતા મહિનાથી 1 દિવસમાં 1 કરોડ ડોઝ લગાવવાની ક્ષમતા ભારત દેશમાં થશે.
થર્ડ ટ્રાયલ માટે પણ પરમિશન આપવામાં આવી
નાના બાળકોની વેક્સિનને લઈ અગત્યની વાત દેશને માંડવીયાએ કરી છે. તેઓએ જણાવ્યું છે કે, હાલ ઝાયડસ કેડિલાની વેક્સિન આવી છે. ઈમરજન્સી યુઝ ઓથોરાઈઝેશન આપવામાં આવ્યું તે 12 વર્ષથી વધારે વયના બાળકોને આપવામાં આવશે. ભારત બાયોટેક કંપનીને રિસર્ચ માટે ની અનુમતિ આપવામાં આવી છે. રિસર્ચ એનાલિસિસ ચાલી રહ્યું છે. ટ્રાયલ પણ ચાલી રહી છે. બે વર્ષની ઉપરના બાળકોને આ વેક્સિન લાગશે આ માટે થર્ડ ટ્રાયલ માટે પણ પરમિશન આપવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે બાળકોની વેક્સિન પણ ભારતમાં તૈયાર થાય અને તેનું મેન્યુફેક્ચરિંગ પણ ભારતમાં થાય.