- વિપુલ ગાજીપરા ગેંગ સામે ગુજ્સીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
- વિપુલ ગાજીપરા સામે અલગ અલગ કુલ 15 ગુના અને ડેનીસ ખત્રી સામે અલગ અલગ કુલ 11 ગુના નોંધાયેલા છે
- ગેંગના મુખ્ય લીડર વિપુલ ગાજીપરા અને ડેનીસ ખત્રીને જુનાગઢથી ઝડપી પાડવામાં આવ્યા
સુરત : શહેરમાં આતંક મચાવનાર વિપુલ ગાજીપરા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે ગેંગના મુખ્ય લીડર વિપુલ ગાજીપરા અને ડેનીસ ખત્રીને જૂનાગઢથી ઝડપી પાડ્યા છે. જેમાં વિપુલ ગાજીપરા સામે અલગ-અલગ કુલ 15 ગુના અને ડેનીસ ખત્રી સામે કુલ 11 ગુના નોંધાયેલા છે. ઉલ્લેખનીય છે કે, જ્યારથી આ કાયદો પસાર થયો છે, ત્યારથી સુરત પોલીસે આજદિન સુધી પાંચ જેટલા કેસો ગુજસીટોકના કર્યા છે.
આ પણ વાંચો- લૂંટ,ખંડણી અને મારામારી સહિતના અસંખ્ય ગુના આચરતી કીટલી ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક ગુનો દાખલ
સુરત પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો
આતંક મચાવી રહેલી વિપુલ ગાજીપરા ગેંગ સામે સુરત પોલીસે ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એક્ટ - 2015 એટલે કે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. ગાજીપરા ગેંગના વિપુલ ડાહ્યાભાઈ ગાજીપરા, ડેનીસ ઉર્ફે નાનો ડેનીયો રમેશચંદ્ર ખત્રી, અલ્તાફ ગફુરભાઈ પટેલ, અંકિત ઉર્ફે ડોક્ટર કરમવીરસિંગ, શશાંક ઉર્ફે મોહિત વિશ્વપ્રતાપ સિંગ, ઉજ્જવલદીપ ઉર્ફે યુડી બ્રીજમોહનસિંગ રાજપૂત, અર્જુન કુમાર ઉર્ફે અરવિંદ સત્યનારાયણ પાંડે, કપિલ ઉર્ફે પોપીન ધનરાજ ઉર્ફે જટાઉ ઉર્ફે કપિલ વકીલ, આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ અને મોહમદ ઇલીયાસ મોહમદ બિલાલ કાપડિયા સામે ગુનો નોંધાયો હતો. પોલીસે અગાઉ શશાંકસિંહ ઉર્ફે મોહિત વિશ્વપ્રતાપ, ઉજ્જવલદીપ ઉર્ફે યુડી બ્રીજમોહનસિંગ, અર્જુન કુમાર ઉર્ફે અરવિંદ સત્યનારાયણ પાંડે, કપિલ ઉર્ફે પોપીન ઉર્ફે ધનરાજ ઉર્ફે જટાઉ અને મોહમદ ઇલીયાસ મોહમદ બિલાલ કાપડિયાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બાકીના આરોપીઓ ફરાર હતા.
ફાર્મ હાઉસમાંથી કરાઈ ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, વિપુલ ગાજીપરા અને ડેનીસ ખત્રી જૂનાગઢમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે વિપુલ ગાજીપરા અને ડેનીસ ખત્રીને ગીરસોમનાથના હળમતિયા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાંથી ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં વિપુલ ગાજીપરા ગેંગનો મુખ્ય લીડર છે અને તેની સામે આર્મ્સ એક્ટ, હદપારી જેવા અલગ-અલગ 15 ગુના સુરતના અલગ-અલગ પોલીસ મથકમાં નોંધાયા છે. જયારે ડેનીસ ખત્રી પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે પણ અલગ-અલગ પોલીસ મથકમાં કુલ 11 ગુના નોંધાયેલા છે.
ગેંગમાં હજુ 3 લોકોને પકડવાના બાકી
પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, સુરતમાં વિપુલ ગાજીપરા અને તેની ગેંગ સામે અપહરણ, લુંટ, ધમકી અને આર્મ્સ એક્ટ હેઠળ જેવા ગુનાઓ આચરતી હતી. જેથી આ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પોલીસે તપાસ કરી બાતમીના આધારે જૂનાગઢથી વિપુલ ગાજીપરા અને ડેનીશ ખત્રી નામના બે શખ્સને ઝડપી પાડ્યા છે. આ ગેંગની ખાસ મોડેન્સ ઓપરેન્ડી એવી હતી કે, આ લોકો કોઈ પણ વેપારી કે મિલકતનો કોઈ વિવાદ હોય તો તેમાં વચ્ચે પડીને ધાકધમકીઓ આપી ગુનાઓ આચરતી હતી. વિપુલ ગાજીપરાને લાંબા સમયથી શોધવાની કામગીરી ચાલતી હતી, જેથી બન્નેને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગેંગમાં અત્યાર સુધી 7 લોકો પકડાયા છે અને 3 લોકો હજુ પણ પકડવાના બાકી છે.
આ પણ વાંચો- રાજ્યમાં 1754 ગુના આચરનારા 240 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ સકંજો
આ પ્રકારના તત્વોથી ડરવાની જરૂર નથી: પોલીસ કમિશનર
પોલીસ હંમેશા એ પ્રયાસ કરી રહી છે કે, સુરતમાં કોઈ પણ ગેંગ માથું ઉચકી ન શકે. સુરતના તમામ નાગરિકોને પોલીસ કમિશનરે અપીલ કરી હતી કે, આ પ્રકારના તત્વોથી ડરવાની જરૂર નથી. જે લોકો આવી ગેંગના ભોગ બન્યા હોય તેઓએ ડર્યા વિના પોલીસ ફરિયાદ કરવા અપીલ કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારથી આ કાયદો પસાર થયો છે ત્યારથી લઈને આજદિન સુધી સુરતમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગેંગના લોકોને નિષ્ક્રિય કરવા માટે આ કાયદાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આજદિન સુધી પાંચ જેટલા કેસો આ કાયદા હેઠળ નોંધાયા છે.