સુરતઃ ન્યુ રાંદેર રોડ પર આવેલી બોમ્બે કોલોનીમાં રહેતાં પાયલબેન સનીભાઈ વસાવા આજે ગુરુવારે તેમના પતિ અને માસૂમ બાળકને લઈ રજૂઆત કરવા માટે સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચ્યાં હતાં. જ્યાં પાયલબેન અને તેમના પતિએ જણાવ્યું હતું કે, નજીકમાં જ સુનીલ વસાવા નામનો શખ્સ છેલ્લા લાંબા સમયથી દારૂનો અડ્ડો ચલાવી રહ્યો છે. જેના કારણે દારૂના અડ્ડા પર આવતા લોકો નશો કરી તેઓના ઘર નજીક અવારનવાર લથડીયા ખાઈ સૂઈ જતાં હોય છે.
સુરતમાં સ્થાનિક બુટલેગરના ત્રાસથી કંટાળી પરિવારજનોએ પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી - Surat Police Commissioner's Office.
રાંદેર વિસ્તારમાં સ્થાનિક બુટલેગરના ત્રાસથી કંટાળીને એક પરિવાર સુરત પોલીસ કમિશનર કચેરી રજૂઆત કરવા માટે પહોંચ્યો હતો. ઘર નજીક ચાલતાં દારૂના અડ્ડાના કારણે નશામાં ધૂત દારૂડિયાઓ લથડીયા ખાતાં ઘર નજીક અર્ધનગ્ન થઈ સૂઇ જતાં હોવાની ફરિયાદ પરિવારે કરી છે. જ્યાં રાંદેર પોલીસ દ્વારા પણ બુટલેગરના ઈશારે પરિવારને ખોટી હેરાન કરવામાં આવતાં હોવાના આરોપ થયાં છે.
આ અંગે અગાઉ રજૂઆત કરવા છતાં બુટલેગરે પોતાના અન્ય સાગરીતોને મોકલી ધમકીઓ આપી હતી. તેમજ રાંદેર પોલીસ મથકમ પણ રજૂઆત કરવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. ઘર નજીક દારૂના નશામાં ધૂત દારૂડિયાઓના કારણે જીવવું મુશ્કેલ બન્યું છે. આ અંગે દારૂના નશામાં ધૂત એક શખ્સનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. જે અંગેની અદાવત રાખી બુટલેગરના ઈશારે પોલીસે ખોટી રીતે કેસ દાખલ કરી અટકાયત કરી હતી. બુટલેગર હોવાથી પોલીસ તેની સામે કોઈ નક્કર કાર્યવાહી કરી રહી નથી, જેથી અહીં પારાવાર મુશ્કેલી પડી રહી છે.જેથી આજ રોજ પોલીસ કમિશનર કચેરી મજબૂર થઈને આવ્યાં છે.