- મ્યુકોરમાઇકોસિસના કારણે દર્દીઓને દાંત ગુમાવવાનો વારો
- સાઈનસથી શરૂ થતું ફંગલ ઈન્ફેક્શન મૂળમાંથી કાઢવું અનિવાર્ય
- દર્દીઓને દાંત સાથે જડબા અને તાળવાની ચામડી પણ ગુમાવવી પડે છે
સુરત: કે.પી સંઘવી હોસ્પિટલના ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન ડૉ. નેહલ પટેલે જણાવ્યું હતું કે, મ્યુકોરમાઇકોસિસ એ બ્લેક ફંગસ છે. જે સાઈનસથી શરૂ થાય છે. જો આ ફંગસને સાઇનસથી જ કાઢવામાં ન આવે તો તે ઉપરના જડબાના હાડકાને ખરાબ કરવા લાગે છે. સીટી સ્કેનમાં જોવા પર લાગે છે કે, કોઈ ઉંદરે હાડકાને ખાધું હોય. જો પ્રાથમિક સ્તર પર એની સારવાર ન કરવામાં આવે તો ફંગસ ઉપરના જડબાના હાડકાને અસર કરવા લાગે છે. જેથી જડબામાંથી પરૂ નીકળવા લાગે છે અથવા તો દાંત હલવા લાગે છે અથવા તો હાડકા મોઢું ખોલતા જ જોવા મળે છે. આ તમામ લક્ષણો હાડકામાં ફંગસની અસરને બતાવે છે.
દાંત સાથે આ હાડકાને કાઢી દેવામાં આવતું હોય છે
ડૉ. નેહલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આવનારા કેસમાં 50થી 60 ટકા એવા કેસ હોય છે, જેમાં ફંગસના કારણે હાડકાં ક્ષતિગ્રસ્ત થતા હોય છે. આવી પરિસ્થિતિમાં અમે જોઈએ છે કે, કેટલા અને ક્યા હાડકાઓ પર અસર થઈ છે. સૌથી વધારે અસર રાક્ષસી દાંત ઉપર થતી હોય છે. કારણકે સાઇનસનું એપેક્સ ત્યાં હોય છે. સીટી સ્કેન અને MRI થકી જ ખબર પડે છે કે કેટલી અસર થઈ છે. આ હાડકાને કાઢી દેવામાં આવતું હોય છે . જેને પાર્સલ મેગ્ઝીલેટોમી કરીને કાઢવામાં આવે છે. જેથી આ રોગ આગળ વધે નહીં. ઓપરેશનમાં દાંત સાથે જડબાના હાડકાને કાઢી દેવામાં આવતું હોય છે.