- કીમ માંડવી રાજ્યધોરી માર્ગની હાલત દયનીય
- 2010 પછી રસ્તાનું કામ ન થતાં રસ્તો થયો બિસ્માર
- રસ્તા પર કમરતોડ ખાડા પડતાં વાહનચાલકો તોબા તોબા
સુરતઃ ઓલપાડ તાલુકા મથકથી માંડવી તાલુકામથકને જોડતો રોડ એટલે (Kim Mandvi State Highway) રાજ્ય ધોરી માર્ગ 65. બે તાલુકાને જ નહી પરંતુ ત્રણ રાજ્યોને જોડતા આ ધોરી માર્ગની હાલત હાલ દયનીય થઇ ગઈ છે. છેલ્લે 2010માં આ રોડની મરામત કરવામાં આવી હતી, ત્યારબાદ આ રોડ સાથે અનાથ બાળક જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. જેનું કારણ છે જીએસઆરડીસી (GSRDC ). સુરત જિલ્લાનો એકમાત્ર આ રાજ્ય ધોરી માર્ગ છે. જીએસઆરડીસી અંતર્ગત આવે છે. આ રોડથી પસાર થતાં સ્થાનિકો તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તો યોગ્ય બને તે માટે માંડવી કોંગ્રેસના ધારાસભ્યે વિધાનસભા ગૃહમાં પણ રજૂઆત કરી હતી.
વ્હાલાંદવલાંની નીતિ અપનાવાતી હોવાનો આક્ષેપ
છેલ્લે વર્ષ 2010માં આશરે 40 કરોડ રૂપિયાના ખર્ચે આ માર્ગનું (Kim Mandvi State Highway) નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છેલ્લા 11 વર્ષથી આ માર્ગ પર કોઈ પણ કામ કરવામાં આવ્યું નથી. વરસાદની સીઝન બાદ ખાડા અવશ્ય પુરવામાં આવે છે પરંતુ ટકતા નથી એ પણ એક સત્ય છે. આ રાજ્ય ધોરી માર્ગ રાષ્ટ્રીય ધોરી માર્ગ સાથે પણ જોડાયેલો છે. માંગરોળના કીમ ચાર રસ્તા પાસે આ માર્ગ એકબીજા સાથે જોડાય છે. આજ માર્ગથી માંડવી થઇ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પણ અસંખ્ય વાહનોની અવરજવર હોય છે.આ રાજ્ય ધોરી માર્ગના સમારકામ અને નવીનીકરણ માટે તો આ વિસ્તારના ધારાસભ્ય આનંદ ચૌધરી (MLA Anand Chaudhary) વિધાનસભા ગૃહમાં પણ રજૂઆત કરી ચુક્યાં છે પરંતુ વિધાનસભા કોંગ્રેસના કબજામાં હોવાના કારણે વ્હાલાંદવલાંની નીતિ અપનાવાતી હોવાના પણ સીધા આક્ષેપ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યાં છે.