- સુરતમાં વરસાદનું આગમન
- આગમન સાથે જ રોડ પર ભૂવા પડવાની ઘટના આવી સામે
- તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ
સુરત: શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તો ધોવાઈ જવાની અને ભૂવો પડવાની ઘટનાઓ છાશવારે સામે આવે છે, પરંતુ હજુ તો સુરતમાં મેઘરાજાનું આગમન થયું છે અને થોડા જ વરસાદમાં સુરતમાં રોડમાં ભુવા પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આવી જ એક વધુ ઘટના સુરતના પાલ વિસ્તારમાં સામે આવી છે.
આ પણ વાંચો : વલસાડ જિલ્લામાં અડધાથી 6 ઇંચ સુધી વરસાદ વરસ્યો, નારગોલમાં આંગણવાડીનું છાપરું તૂટ્યું
ભૂવાઓ પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવતા લોકોમાં રોષ
સુરતના પાલ વિસ્તારમાં રોડમાં એક પછી એક બે ભુવા અને રોડ બેસવાની ઘટનાઓ સામે આવી હતી. જેને લઈને અહીંથી વાહન લઈને પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હજુ તો સુરતમાં વરસાદનું આગમન થયું છે, ત્યાં જ રસ્તાઓમાં મસમોટા ખાડાઓ અને ભૂવાઓ પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો :સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 7 ઈંચ વરસાદ, ઘર અને ગરનાળામાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા
મનપાની કામગીરી સામે સવાલ
સુરતમાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર થઇ હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં થોડા જ વરસાદમાં સુરતના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્યાં હવે પાલ વિસ્તારમાં રોડમાં ભુવા પડવાની અને રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવતા મનપાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો થોડાક વરસાદમાં સુરતના રોડની આ સ્થિતિ છે તો આવનારા સમયમાં સુરતના રોડની સ્થિતિ કેવી હશે તે તો કલ્પના જ કરવી રહી.
સુરતમાં થોડા જ વરસાદમાં રસ્તા પર ભુવા