- સુરતની લબ્ધી મિલમાં આગ લાગી
- ઘટનામાં 4 લોકો દાઝ્યા
- ચીફ ફાયર ઓફિસરે નોંધાવી પોલીસ ફરિયાદ
સુરત : શહેરના વરાછામાં લબ્ધી મિલમાં આગ લાગવાની ઘટનામાં ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે મિલના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મિલમાં ફાયર સેફ્ટી ન હોવાથી તેમજ મિલમાં કામ કરતા કારીગરો સહિત 4 લોકો દાઝી ગયા હોવાથી આ મામલે ફરિયાદ નોંધાઈ છે.
વરાછા વિસ્તારમાં ભવાની સર્કલ નજીક ગત 29 જાન્યુઆરી 2021ના રોજ લબ્ધી પ્રિન્ટ મિલમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી હદે વિકરાળ હતી કે ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. તેમજ આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગને મેજર કોલ પણ જાહેર કરવો પડ્યો હતો. તેમજ મિલની આસપાસ આવેલી દીવાલ પણ તોડવી પડી હતી. આગની આ ઘટનામાં ખુદ ચીફ ફાયર ઓફિસર તેમજ મિલમાં કામ કરતા 4 કારીગરો દાઝી ગયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
- મિલના માલિક સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
આ મામલે 1 મહિના બાદ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ચીફ ફાયર ઓફિસર બસંત પરિકે ઉમરા સ્થિત રહેતા મિલના માલિક બીરેન હરીશચંદ્ર વખારીયા સામે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મિલમાં ફાયર સેફ્ટી ન હોવાથી તેમ છતાં મિલ ચાલુ રાખી લોકોની જિંદગી જોખમમાં મૂકવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.