બારડોલી નગરપાલિકાએ વર્ષ 2020-21માં 85.92 ટકા વેરાની વસૂલાત કરી - કોરોના મહામારી
સુરતમાં બારડોલી નગરપાલિકાએ 2020-21ના નાણાકીય વર્ષમાં કરેલી વેરાની વસૂલાત કરી હતી. આ અંગેની માહિતી નગરપાલિકાએ આપી હતી, જે ગયા 3 વર્ષની સરખામણીએ 1 ટકા જેટલી વધુ છે. 90 ટકાના લક્ષ્યાંક સામે પાલિકા અંદાજિત 4 ટકા ઓછી વસૂલાત કરી શકી છે.
બારડોલી નગરપાલિકાએ વર્ષ 2020-21માં 85.92 ટકા વેરાની વસૂલાત કરી
By
Published : Apr 2, 2021, 11:03 AM IST
|
Updated : Apr 2, 2021, 1:54 PM IST
100 ટકા લક્ષ્યાંકની સામે 4 ટકા ઓછી વસૂલાત
છેલ્લા 3 વર્ષની સરખામણીએ એક ટકાનો વધારો
90 ટકા વસૂલાત ન થતાં 100 ટકા ગ્રાન્ટ મેળવવામાં મુશ્કેલી
બારડોલીઃ બારડોલી નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કડક કાર્યવાહી બાદ પણ હાલ 85.92 ટકા જેટલો વેરો વસૂલ કરી શકાયો છે. 100 ટકા સરકારી ગ્રાન્ટ મેળવવા માટે જરૂરી 90 ટકાની વસૂલાત સુધી પહોંચવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ રહ્યું છે. જોકે, કોરોના મહામારી વચ્ચે પણ છેલ્લા 3 વર્ષની સરખામણીએ વસૂલાતમાં આ વર્ષે 1 ટકાનો વધારો જોવા મળ્યો છે.
100 ટકા સરકારી ગ્રાન્ટ મેળવવા માટે 90 ટકા વેરા વસૂલવો જરૂરી
નાણાકીય વર્ષ 2020-21 પૂર્ણ થઈ ગયું છે. બારડોલી નગરપાલિકા દ્વારા વર્ષ દરમિયાન વેરા વસૂલાતની કામગીરી દરમિયાન 90 ટકા વસૂલાતનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, પરંતુ દર વર્ષની જેમ 2020-21ના વર્ષમાં પણ વસૂલાત 85.92 ટકા પર અટકી ગઈ છે. 100 ટકા સરકારી ગ્રાન્ટ મેળવવા માટે 90 ટકા કે તેથી વેરાની વસૂલાત થવી જરૂરી છે. બારડોલી નગરપાલિકા દ્વારા 90 ટકાનો ટાર્ગેટ પૂરો થઈ શક્યો નથી.
કોરોના મહામારી વચ્ચે પણ વસૂલાતમાં 1 ટકાનો વધારો
છેલ્લા 4 વર્ષની વાત કરીએ તો, વર્ષ 2017-18માં 84.97 ટકા, 2018-19માં 84.99 ટકા, 2019-20માં 84.87 ટકા, જ્યારે ગયા વર્ષ 2020-21માં 85.92 ટકાની વસૂલાત કરવામાં આવી છે. 2020-21નું વર્ષ કોરોના મહામારીનું વર્ષ રહ્યું હતું. લોકોની આર્થિક હાલતમાં ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે આ વખતે વેરાની આવકમાં ઘટાડો થશે તેવી શક્યતા હતી. તેમ છતાં છેલ્લા ચાર વર્ષ કરતાં 2020-21ના વર્ષમાં 1 ટકા વસૂલાત વધી છે. નગરપાલિકા દ્વારા છેલ્લે કડક કાર્યવાહી કરવામાં આવતા આ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.
સરેરાશ 85.92 ટકા વસૂલાત થઈ
નગરપાલિકાને 7,26,22,884 રૂપિયાના માગણા સામે 6,23,95,758 રૂપિયાની વસૂલાત થઈ છે. પાછલી બાકીમાં 84.10 ટકા વસૂલાત જ્યારે ચાલુ બાકીમાં 86.37 ટકા જેટલી વસૂલાત થતાં સરેરાશ 85.92 ટકા જેટલી વસૂલાત થઈ શકી છે.