- ગુડલક માર્કેટમાં બોરિંગનું પાણી ખૂબ જ ખારુ આવી રહ્યું હતું
- માત્ર સંગ્રહ જ નહીં પણ આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમમાં વરસાદી પાણીની લાઈન નાખવામાં આવી
- પાર્કિંગ વિસ્તારમાં સોલર પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો છે
સુરત : ટેક્સટાઇલ હબ ગણાતા સુરતમાં રિંગરોડના ગુડલક માર્કેટના વેપારીઓએ જળ સંચય માટે માર્કેટમાં વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ મૂકી નવી પહેલ કરી હતી. જો કે, તેના ફળ સ્વરૂપે બોરિંગના ખારા પાણીની જગ્યાએ હવે તેમને મીઠું પાણી મળતું થયું છે. વળી પાર્કિંગમાં મુકેલી સોલાર પેનલના કારણે તેમનું 50થી 60 હજારનું બિલ પણ હવે ઝીરો થશે.
રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમમાં વરસાદી પાણીની લાઈન નાખવામાં આવી
ગુડલક માર્કેટમાં બોરિંગનું પાણી ખૂબ જ મીઠાવાળું આવી રહ્યું હતું. જેને લઇને વેપારીઓ દ્વારા 4 વર્ષ પહેલા વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાનો વિચાર કરવામાં આવ્યો અને શરૂઆતમાં ટેરેસના પાણીનો જમીનમાં સંગ્રહ પણ કર્યો, જેને સફળતા મળી. ત્યારબાદ મોટુ આયોજન કરવામાં આવ્યું, જેમાં માત્ર સંગ્રહ જ નહીં પણ આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમમાં વરસાદી પાણીની લાઈન નાખવામાં આવી છે. જેમાં 90 ટકા વરસાદી પાણી જાય છે અને તે ચોખ્ખું અને શુદ્ધ રહે તે માટે અંદર જ ડબલ ફિલ્ટર મુકવામાં આવ્યા છે. જેથી કોઈ કચરો પણ જશે નહીં અને પાણીની શુદ્ધતા પણ જળવાઈ રહશે.
પાર્કિંગ વિસ્તારમાં સોલર પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો
વરસાદનું પાણી માર્કેટના પ્રવેશથી 40 હજાર સ્કવેર ફૂટના પ્રિમાઈસીસ સુધીનું પાણી ફિલ્ટર થઈને બોરવેલ અને જમીનના તળ સુધી જાય છે અને પછી એ જ પાણી બોરના ઉપયોગથી વાપરી શકાય છે. આ પ્લાન્ટ શરૂ થતાં જ આસપાસના માર્કેટમાં પણ મીઠું પાણી આવવા લાગ્યું છે. આ સાથે જ વેપારીઓ દ્વારા પાર્કિંગ વિસ્તારમાં સોલર પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો છે. જેથી કહી શકાય કે, માર્કેટ પણ પર્યાવરણ બચાવવામાં પોતાની ભાગીદારી નોંધાવી રહ્યું છે.