ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં લુંટારુઓનો આતંક: બાઈક પર જતાં લોકોની ચપ્પુની અણીએ કરી લૂંટ - સુરત ગ્રામીણ ન્યુઝ

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખડસદ અને પાસોદરા જતાં માર્ગો લૂંટારુઓ માટે ખુલ્લું મેદાન બની ગયા છે. અહીં વારંવાર બાઈક પર આવતા ત્રણ અજાણ્યા ઈસમો બાઇક સવારોને નિશાન બનાવી રહ્યા છે. 6 અને 7 નવેમ્બરની રાત્રે બે અલગ અલગ ઘટનાઓ સામે આવી હતી. જેમાં એક ઘટનામાં યુવક પર ચપ્પુથી હુમલો કરી લૂંટનો પ્રયાસ કરાયો હતો. જ્યારે અન્ય એક ઘટનામાં બે યુવકોને ચપ્પુ બતાવી મોબાઇલ અને રોકડની ચોરી કરી હતી. બંને ઘટના અંગે કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Terror of robbers in Surat
સુરતમાં લુંટારુઓનો આતંક

By

Published : Nov 8, 2020, 5:27 PM IST

  • ખડસદ નજીક ચપ્પુથી હુમલો કરી લૂંટનો પ્રયાસ
  • કઠોદરા નજીક બે યુવકોને ચપ્પુ બતાવી 20 હજારથી વધુની લૂંટ

સુરતઃ કામરેજ તાલુકામાં વાહન ચાલકોને આંતરી લૂંટની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે રાત્રે કઠોદરા ગામની સીમમાં એક્ટિવા પર જઈ રહેલા બે યુવકોની એક્ટિવા સાથે મોટર સાયકલ અથડાવી ત્રણ અજાણ્યા ઇસમોએ ચપ્પુની અણીએ લૂંટ ચલાવી હતી. લૂંટારુઓ રૂ. 20 હજાર 500ની મત્તા લૂંટીને નાસી છૂટ્યા હતા. બીજી તરફ ખડસદ ગામ નજીક પણ એક યુવક પર ચપ્પુથી હુમલો કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. બંને ઘટના અંગે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વારંવાર બની રહેલી લૂંટની ઘટનાને લઈ કામરેજના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાએ જિલ્લા પોલીસમાં લેખિતમાં રજૂઆત બાદ કામરેજ કઠોદરા નજીક પોલીસ ચોકી ઊભી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સુરતમાં લુંટારુઓનો આતંક


આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાનાં સણોસરા ગામના વતની અને હાલમાં સુરતના પાસોદરાની શિવશક્તિ રેસિડેન્સીમાં રહેતા અજય ખેની રત્નકલાકાર તરીકે કામ કરે છે. જ્યારે તેમના પિતા સાડીનું જોબવર્કનું કરે છે. 7 નવેમ્બરના રોજ તેમના ઘરે સાડીનો જથ્થો લઈને આવેલો ટેમ્પો પરત ફરી રહ્યો હતો તે વખતે ટેમ્પામાં ડીઝલ પૂરું થઈ ગયું હતું. આથી રાત્રિના 12 વાગ્યાની આસપાસ અજય પોતાની એક્ટિવા પર સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ ટેમ્પોના ક્લીનરને બેસાડી ડીઝલ લેવા માટે પેટ્રોલપંપ પર ગયા હતા. ડીઝલ લઈને પરત ફરતી વખત કઠોદરા પાસોદરા રોડ પર એક બાઈકે તેની એક્ટિવાને ટક્કર મારતાં એકટિવા સાથે ક્લીનર નીચે પટકાયો હતો. આ દરમિયાન બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા ઇસમો તેમની તરફ ધસી આવ્યા હતા. આરોપીઓએ ચપ્પુ બતાવી અજય પાસેથી બે મોબાઈલ ફોન અને રૂ. 5 હજાર રોકડા અને ક્લીનર પાસેથી છીનવેલો એક મોબાઈલ ફોન સહિત કુલ 20 હજાર 500ની લૂંટ ચલાવી અજયને હાથમાં ચપ્પુથી ઇજા પહોંચાડી નાસી છૂટ્યા હતા.

ખડસદમાં યુવકને પગમાં ચપ્પુ મારી લૂંટનો પ્રયાસ

કામરેજના ખડસદ ગામની સીમમાં અન્ય એક ઘટના બની હતી, જેમાં ખડસદ ગામની ૐ રેસિડેન્સીમાં રહેતા તુલસી વાઘેલા દરજી કામ કરે છે. તેઓ 6 નવેમ્બરે રાત્રે 12 વાગ્યે કામરેજ ખડસદ રોડ પરથી એક્ટિવા પર પસાર થતાં હતા, તે સમયે ખડસદ ગામ નજીક એક મોટર સાયકલ પર આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ તેમની એક્ટિવા સાથે અથડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન થોડી બોલાચાલી બાદ બાઈક પર આવેલા ત્રણ ઇસમોએ તુલસીને ચપ્પુ બતાવીને ત્રણેય ઇસમોએ તેમની એક્ટિવા રોકી માર મારવાનું શરૂ કર્યું હતું અને પગમાં છપ્પુ દ્વારા ઇજા પહોંચાડી હતી. મારથી બચવા તુલસી રોડની બાજુમાં આવેલી ઝાડીઓમાં જતા રહ્યા હતા, ત્યાં પણ તેઓ આવી જતાં તે દોડતા દોડતા પોતાની સોસાયટીમાં ગયા હતા. ત્યાર બાદ તેને તાત્કાલિક સોસાયટીના રહીશોએ ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

પોલીસે બંને ઘટનામાં ગુનો નોંધી તપાસ શરૂ કરી

ઉપરોક્ત બંને ઘટના બાબતે કામરેજ પોલીસ મથકમાં ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. બંને ઘટનામાં એક જ ગેંગ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ કામરેજ પોલીસે બંને ભોગ બનનારની ફરિયાદના આધારે લૂંટ ચલાવતી ટોળકીની શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

પૂર્વ ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ ચોકી શરૂ કરાઈ

બીજી તરફ કામરેજ ખડસદ અને પાસોદરા રોડ પર વારંવાર બનતી લૂંટની ઘટનાને લઈ કામરેજના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા હરકતમાં આવ્યા હતા. તેમણે જિલ્લા પોલીસને લેખિતમાં રજૂઆત કરી આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ વધારવા તેમજ આવા વિસ્તારમાં 24 કલાક પોલીસ બંદોબસ્ત મૂકવાની માગ કરી હતી. આ રજૂઆતને પગલે જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક એક પોલીસ ચોકી પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે પોલીસ દિવાળી ટાણે થતી લૂંટમાં કેટલા અંશે કાબૂ મેળવી શકે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details