સુરત: ડિસ્ટ્રિક્ટ-મેજિસ્ટ્રેટ, મ્યુનિસિપલ કમિશ્નરને કેન્દ્ર માનવ અધિકાર કમિશન દ્વારા નોટિસ આપી છે. તક્ષશિલા અગ્નિ કાંડ પ્રકરણ માં 6 અઠવાડિયાની અંદર અહેવાલ રજુ કરવા તાકીદ કરી છે અથવા નહીતર રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે.
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં તક્ષશિલામાં ચાલતા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ભારે આગને કારણે 22 વિદ્યાર્થીઓના મોત થયેલ હતા. જે અંગે ગુજરાતના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા 29 મેં 2019 ના રોજ માનવ અધિકારમાં ઓનલાઇન ફરિયાદ કરીને 22 વિદ્યાર્થીઓ અને એમના પરિવાર સાથે થયેલ માનવ અધિકાર ભંગ સામે ગુન્હો નોંધીને યોગ્ય કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી.
તારીખ 25 ઓક્ટોબર 2019 ના રોજ કેન્દ્ર માનવ અધિકાર કમિશન દ્વારા ફરિયાદને ધ્યાનમાં લીઇ નીચે મુજબ નિર્દેશો કરવામાં આવ્યા હતા:
- સંબંધિત અધિકારીએ ફરિયાદની એક નકલ અને કરેલ કાર્યવાહી સાથે ચાર સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.
- સંબંધિત અધિકારીઓ પણ કમિશનને ધ્યાન દોરવાનું રહશે કે, સંબંધિત રાજ્ય માનવાધિકાર આયોગ તરફથી જો કોઈ સૂચના, હુકમ વગેરે હોય તો, ત્વરિત તે બાબતે તેમના દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી હુકમની નકલ 4 અઠવાડિયામાં કમિશનને મોકલવાની રહેશે.
- ફરિયાદની એક નકલ સંબંધિત રાજ્ય માનવાધિકાર આયોગના સચિવને પણ મોકલી આપવાની રહેશે અને તેઓને આ કમિશનને 4 અઠવાડિયાની અંદર ત્વરિત આ બાબતે લેવાયેલી નોંધની તારીખ, જો કોઈ હોય તો, જાણ કરવાની તાકીદ કરી છે.
- સુરત પોલીસ કમિશનર દ્વારા કમિશનના નિર્દેશોના અનુસંધાનમાં સુરત, તા. 9-2-2020ના રોજ એક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં જણાવાયું છે કે, 11 આરોપીઓ સામે ચાર્જશીટ ઘડવામાં આવી છે. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને આ કેસ અંગે વધુ તપાસ થઈ રહી છે. આ રિપોર્ટ કમિશન દ્વારા રેકોર્ડ પર લેવામાં આવ્યો છે.
- મ્યુનિસિપલ કમિશનર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તારીખ 8-7-2020ના રોજની સુપરત કરવામાં આવેલા અહેવાલોની નોંધ લીધી છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ, સુરત તરફથીના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
- C.R.No. 246/2019ના તક્ષશિલા અગ્નિકાંડની તપાસની વર્તમાન સ્થિતિ નોંધાવવા સૂચના કેન્દ્ર માનવ અધિકાર કમિશન દ્વારા સુરત પોલીસ કમિશનરને આપવામાં આવી છે. સરથાણા PSI દ્વારા 6 સપ્તાહની અંદર કલમ 304, 308, 114 હેઠળ નોંધાયેલ IPCની કલમ 465, 476, 468, 471 પણ ધ્યાનમાં લેવામાં આવી છે.
- કેન્દ્ર માનવ અધિકાર કમિશન, રજિસ્ટ્રી દ્વારા મ્યુનિસિપલ કમિશનર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડિસ્ટ્રિક્ટ-મેજિસ્ટ્રેટ, સુરત જિલ્લાને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, 6 અઠવાડિયાની અંદર અંગ્રેજી ભાષામાં તૈયાર કરેલો અહેવાલ રજૂ કરવાનો રહેશે અને જો યોગ્ય કાર્યવાહી કરવામાંથી મ્યુનિસિપલ કમિશનર, ડિસ્ટ્રિક્ટ-મેજિસ્ટ્રેટ નિષ્ફળ થશે, તો બન્ને અધિકારીઓને કમિશન આગળ પોતે હાજર નહીં રહેવા માટેની જોગવાઈ PHR એક્ટ, 1993ની કલમ 13 મુજબ રદ્દ કરવામાં આવશે.
- આ મામલે પંચ દ્વારા નિર્દેશિત સંપૂર્ણ અહેવાલ તારીખ 21/10/2020 સુધીમાં કમિશને મોકલવામાં આવે, જેથી કમિશન આગળની કાર્યવાહી કરી શકે.