- નહેરમાંથી માછલી પકડતી વખતે મળી આવેલું પ્રવાહી પીધું હોવાની ચર્ચા
- સુરત પોલીસે દારૂ પીવાથી મોત થયું હોવાની વાત નકારી કાઢી
- હોસ્પિટલ પહોંચતા પહેલા મહિલાનું મોત, 3ની હાલત ગંભીર
બારડોલીઃ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામમાં આમલી ફળિયામાં રહેતા એક દંપતી તેમ જ 12 વર્ષીય બાળક અને એક યુવાન બુધવારે કેનાલ ઉપર માછલી પકડવા ગયા હતા. તે દરમિયાન કઈ શંકાસ્પદ ઝેરી પ્રવાહી પીધું હતું, જેને લઈ તમામની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે એક કિશોર સહિત ત્રણની હાલત ગંભીર હોય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જાણો... શું છે સમગ્ર મામલો?
આ અંગે મળતી માહિતી અનુસાર, આમલી ફળિયામાં રહેતા સંજય ઉર્ફે બોડો સુખાભાઈ રાઠોડ (35) તેની પત્ની રાજુ ઉર્ફ ફૂગલી સંજય રાઠોડ (30) ઉપરાંત તેમને ત્યાં આવેલા સંબંધી હિતેશ દિનેશભાઈ રાઠોડ (25) (રહે.હળપતિવાસ ડાભા) ફળિયામાં જ રહેતો 12 વર્ષના શિવકુમાર રાઠોડ ગત બુધવારે માછલી પકડવા માટે બગુમરા ગામની કેનાલ પર ગયા હતા. જ્યાં કેનાલમાંથી શંકાસ્પદ ઝેરી પ્રવાહી મળી આવ્યું હતું, જે ચાર લોકોએ પીધું હોવાની ચર્ચા છે. પ્રવાહી પીધા બાદ જ તેમની તબિયત લથડતા સાંજે 6 વાગ્યાની આસપાસ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા જતા. ત્યારે રસ્તામાં જ રાજુબેનનું મોત નીપજ્યું હતું. તે દરમિયાન અન્ય 3 જણા સ્વસ્થ હાલતમાં હતા. બાદમાં સંજય તેમ જ હિતેશ અને 12 બાળક શિવ કુમારની તબિયત પણ લથડતા તેમને સારવાર માટે ચલથાણની સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં સંજય અને હિતેશની બેભાન અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે.