સુરતઃ શહેરના વેસુ વિસ્તારમાં ડઝનથી વધુ સ્પા અને મસાજ સેન્ટરો આવ્યા છે. આ સેન્ટરો પર સ્પાની આડમા ગોરખધંધા ચલાવવામાં આવતા હોય છે. આ વાતની જાણ સ્થાનિકની સાથે પોલીસને પણ છે. જો કે, પોલીસ સુધી હપ્તા પહોંચતા હોવાથી અત્યાર સુધી ફકત પોલીસ ચોપડે બતાવવા પૂરતી કામગીરી કરવામાં આવી રહી છે.
સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના દલદલમાં 15 વર્ષીય કિશોરીને જબરજસ્તી ધકેલવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જો કે, બાદમા કિશોરી ત્યાથી ભાગી છૂટતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વડોદરામાં રહેતી આ 15 વર્ષીય કિશોરીના પિતા લારી ચલાવી પોતાના પરિવારજનોનુ ગુજરાન ચલાવે છે.
આ કિશોરી અગાઉ બે વખત ઘરેથી ભાગી ગઈ હતી. જે દરમિયાન તેની માતાએ રાત્રીના 8 કલાકે તેને શેમ્પુ લેવા દુકાને મોકલી હતી. જો કે ત્યા આરોપી મહિલા તેને મળી હતી અને સુરત ફરવા લઇ જવાની વાત કરતા આ મહિલા સાથે કિશોરી ગઇ હતી.
સુરતની મહિલાએ 15 વર્ષીય કિશોરી પાસે જબરજસ્તી દેહવ્યાપાર કરાવ્યો સુરત આવતાની સાથે જ આરોપી મહિલાએ કિશોરીને દેહવ્યાપારના ગોરખધંધામા ધકેલી દીધી હતી. વેસુ વિસ્તારમા આવેલા તમન્ના સ્પા, મોક્ષ ડે સ્પા, એમ્બીઝ સ્પા, ન્યુ પૂજા સ્પા, ઇન્ડિયન થાઇ સ્પામાં દેહવિક્રિયના ધંધામા ધકેલી દીધા હતા.
જુદા જુદા ગ્રાહકો સ્પાની દુકાનમાં મસાજના નામે કિશોરી સાથે જબરજસ્તી શરીર સંબધ બાંધતા હતા. જેના આરોપી મહિલા કિશોરીને રૂપિયા 300 આપતી હતી. આ દરમિયાન કિશોરી ત્યાંથી ભાગી છૂટી હતી. પહેલા તો તે સુરત રેલવે સ્ટેશન ગઇ હતી. ત્યાથી વેસુ રોડ પર બેસીને રડી રહી હતી. જે દરમિયાન ત્યાંથી પસાર થતા એક યુવાનની નજર તેના પર જતા તેને કિશોરીની વાત સાંભળી હતી.
આ યુવાને તાત્કાલિક આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. આ ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કિશોરી સાથે વાતચીત કર્યા બાદ વડોદરા ખાતે રહેતા તેના પરિવારજનોને પણ પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. જ્યા કિશોરીના પિતાની ફરિયાદના આધારે ઉમરા પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં જો પોલીસ દ્વારા અગાઉ કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો કિશોરીનું જીવન ખરાબ ન થાત, પરંતુ રોજેરોજ સ્થાનિક પોલીસના ખિસ્સા ભારે કરવામાં આવતા હોવાથી પોલીસ દ્વારા આવા સ્પા સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. જો સુરત પોલીસ આ મામલે સઘન તપાસ કરે તો મોટા માથાઓના નામ બહાર આવે તેવી શક્યતા છે.