સુરત: સમગ્ર વિશ્વની કોરોના સામે જંગ ચાલુ છે. જેથી વડાપ્રધાન મોદીએ ઘરે કાપડમાંથી બનાવેલા માસ્કનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. આ વાતને લોકડાઉનમાં ઘરે બેસીને સમયનો સદુપયોગ કરવાનું ઉદાહરણ વેસુના વાત્સલ્ય બંગલોઝના એક પરિવારના 4 સભ્યોએ પૂરૂં પાડ્યું છે.
પરિવારનો શો રૂમ હોવાથી તેમના સેમ્પલ ઘરે લઈ આવ્યા હતા. પરિવારના સભ્યો અને 2 પડોશીઓ મળીને ડિસ્લોક થયેલા કેટલોગ કે જે વેસ્ટ થઈ ગયા હોય તેમાંથી માસ્ક બનાવાનું કામ કરી રહ્યાં છે. લોકડાઉન 2.0માં ઘરના મોભી દિપક બજાજને વિચાર આવ્યો કે, આ વેસ્ટ કાપડનો માસ્ક બનવામાં ઉપયોગ થઈ શકે છે. તેમણે તેમની પત્નિ સ્વેતા બજાજને આ અંગે વાત કરતાં શરૂઆતમાં તેમણે 3-4 માસ્ક બનાવીને પડોશીઓને આપ્યા હતા.
સુરતનો પરિવારના વેસ્ટમાંથી માસ્ક બનાવી જરૂરિયાત મંદોને આપે છે પડોશીનો રિવ્યુ સારો આવતાં આ પરિવારે 10થી 12 જેટલા કેટલોગ ખોલીને મોટા પાયે માસ્ક બનાવાની શરૂઆત કરી હતી. કોટન, ડિજિટલ પ્રિન્ટ, જૂથ વગેરે જેવા અનેક મટીરીયલના માસ્ક બનાવામાં આવી રહ્યા છે.
શ્વેતાબેન માસ્કને સિવવાનું કામ કરે છે, જ્યારે બાકીના સભ્યો અન્ય મદદ કરે છે. મહત્વની વાત એ છે કે , આ દરેક માસ્કનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં સોસાયટીના વોચમેન, દૂધવાળા તેમજ શાકભાજી લાવનારાને માસ્ક આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ જરૂરિયાતમંદોને આપવામાં આવી રહ્યાં છે.
શ્વેતા બજાજે આ અંગે જણાવ્યું હતું કે, ટેસ્ટિંગ માટે માસ્ક બનાવ્યા બાદ અમે 12 કેટલોગ ખોલીને માસ્ક બનાવાનું કામ શરૂ કર્યું છે. અત્યારસુધીમાં આશરે 800 જેટલા માસ્ક અમે બનાવી લીધાં છે. એક કેટલોગમાંથી 150 જેટલા માસ્ક બને છે. સોસાયટીના તેમજ અન્ય જરૂરિયાતમંદ લોકોને આ માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.