- સુરતના 5 વર્ષના જિવાંશે લૉકડાઉનમાં સમયનો કર્યો સદુપયોગ
- જિવાંશ જાવલાએ લૉકડાઉનમાં બનાવ્યા અલગ અલગ ડાન્સના વીડિયો
- માત્ર 5 વર્ષની ઉંમરે જિવાંશ યુ-ટ્યૂબ પર 1.80 લાખ ફોલોઅર્સ
- શાળાઓ બંધ હતી ત્યારે જિવાંશે યુ-ટ્યૂબ પર ડાન્સના વીડિયો કર્યા હતા અપલોડ
- પોતાના ડાન્સમાં પ્રથમ વખત તેણે 11 હજાર રૂપિયાની કમાણી પણ કરી લીધી છે
સુરતઃ 5 વર્ષની ઉંમરમાં જ્યાં બાળકો A,B,C,D ભણે છે ત્યાં સુરતના 5 વર્ષના જિવાંશ જાવલાના યુ-ટ્યૂબ પર 1.80 લાખ સબ્સ્ક્રાઈબર છે. લૉકડાઉનમાં જ્યારે શાળાઓ બંધ હતી. તે સમયે જિવાંશ જાવલાએ યુ-ટ્યૂબ પર પોતાના ડાન્સનો વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું હતું અને માત્ર 2 વર્ષમાં તેના લાખો ચાહકો થઈ ગયા. આ બધું જોતા યુ-ટ્યૂબે તેને સિલ્વર બટન આપ્યું છે. એટલું જ નહીં પોતાના ડાન્સમાં પ્રથમ વખત તેણે 11,000 રૂપિયાની કમાણી પણ કરી લીધી છે. તેને કોરોના કાળથી લઈને અત્યાર સુધીમાં 200થી પણ વધુ વીડિયો યુ-ટ્યૂબ પર અપલોડ કર્યા છે.
આ પણ વાંચો-સુરતની 11 વર્ષની ચાર્વી ડોરાની અનોખી સિદ્ધિ : 4 વર્ષમાં 2000થી વધુ પુસ્તકો વાંચી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
જિવાંશને ડાન્સનો શોખ હોવાથી ઝડપથી શીખી ગયો
સુરતના પાલનપુર વિસ્તારમાં રહેતા મૂળ હરિયાણાનાં જાવલા પરિવારના 5 વર્ષીય જિવાંશ જાવલાના યુ-ટ્યૂબ પર લાખો ફેન્સ છે. તેના વીડિયો અપલોડ કરતાં જ લાખો વ્યૂઅર્સ આવી જાય છે. કોરોના કાળ શરૂ થતા રાજ્યમાં લૉકડાઉન લાગ્યું હતું. ત્યારે આવા સમયે સમયનો સદુપયોગ કરીને જિવાંશે ડાન્સનો શોખ હોવાથી તે ડાન્સ શિખ્યો હતો. તેને જોતા જિવાંશની માતાએ એક યુ-ટ્યૂબ ચેનલ બનાવી હતી, પરંતુ તે સમયે તેમને અંદાજ નહતો કે માત્ર ગણતરીના મહિનામાં તેના લાખો ફોલોઅર્સ બની જશે.
આ પણ વાંચો-ટ્વીટર પર ટોપ પર પહોંચ્યા વડાપ્રધાન મોદી, ફોલોઅર્સની સંખ્યા 70 મિલિયનને પાર
રોબોટિક ડાન્સનો શિક્ષક બનવા માગે છે
જિવાંશના પિતા નવીન જાવલાએ જણાવ્યું હતું કે, જિવાંશને જેવો ડાન્સ શીખવ્યો તેવો તે કરવા લાગ્યો હતો. તેના આ વીડિયો અમે અપલોડ કર્યા ને અત્યારે તેના લાખો ફોલોઅર્સ છે, જેના કારણે યુ-ટ્યૂબે તેને સિલ્વર બટન પણ આપ્યું છે. તો જિવાંશનાં માતા સુરેખા જાવલાએ જણાવ્યું હતું કે, તેઓ જાતે જ જિવાંશને ડાન્સ શીખવે છે અને જિવાંશ ઉત્સાહથી શીખી ગયો. તેના કારણે ડાન્સના વીડિયો યુ-ટ્યૂબ પર અપલોડ કરતા તેના લાખો ફોલોઅર્સ થઈ ગયા છે. હવે જિવાંશ મોટો થઈને રોબોટિક ડાન્સનો શિક્ષક બનવા માગે છે.