સુરત: શહેરમાં અથર્વ ચાઇલ્ડ એક્સલેન્સ સેન્ટર થકી ગણિતની જૂની પદ્ધતિઓ શીખનાર કનિકા મહેલા, હર્ષ ગોયલ, ચિન્મય બાફના અને મન અગ્રવાલે ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ બનાવ્યો છે. આ ચારેય બાળકો જૂની પદ્ધતિઓ જેવી કે અબેકસ, સોરોબન, વૈદિક ગણિત વગેરે શીખી રહ્યાં છે.
સુરતના 4 બાળકોએ ગણિતમાં બનાવ્યા 5 ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ
ટેક્સટાઇલ અને ડાયમંડનગરી તરીકે જાણીતું સુરત સુરતીઓની પ્રતિભાઓના કારણે એક પછી એક રેકોર્ડ પોતાના નામે કરી રહ્યું છે, ત્યારે સુરતના 4 બાળકોએ ગણિતના ક્ષેત્રમાં એક સાથે 5 ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ બનાવીને સુરતને ગૌરવ અપાવ્યું છે.
ધોરણ-1માં અભ્યાસ કરનારી કનિકા મહેતાએ 1 અંકના 100 અંકોનો ઉમેરો સૌથી ઝડપી રીતે અને સૌથી નાની ઉમરમાં કરવાનો ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે ધોરણ 5માં અભ્યાસ કરનારા હર્ષ ગોયલે 2 મિનિટ અને 52 સેકન્ડમાં 5 સિંગલ અંકનો સરવાળો અને એવા 98 દાખલા કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
આ ઉપરાંત ધોરણ 5માં અભ્યાસ કરનારા ચિન્મય બાફનાએ 0.3 સેકન્ડ ફ્લેશિંગની સ્પીડ પર સ્ક્રીનમાં 200 સિંગલ સંખ્યાઓનો સૌથી ઝડપી ઉમેરો કરવાનો ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે ધોરણ 6માં અભ્યાસ કરનારા મન અગ્રવાલે 1 મિનિટ અને 58 સેકન્ડમાં ગુણાકારમાં 2 ગુનિયા 1 એવા 100 દાખલા સૌથી ઝડપી ઉકેલવાનો તથા બિજો રેકોર્ડ 0.6 સેકન્ડના ફ્લેશિંગ સ્પીડ પર સ્ક્રીનમાં 2 અંકના કુલ 100 સંખ્યાનો સરવાળો કરવાનો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.