ઓલપાડના કિમ ગામે ભર ચોમાસે પાણી માટે વલખા
- ત્રણ દિવસથી પાણી નહીં મળતા મહિલાઓએ પંચાયત કચેરીએ કર્યો હલ્લાબોલ
- સાંજ સુધીમાં સમસ્યા હલ નહીં થાય તો આંદોલનની આપી ચીમકી
- પાણીની મોટર બગડી જવાથી રહીશોને નથી મળી રહ્યું પાણી
સુરતઃ જિલ્લામાં ઓલપાડ તાલુકાના કીમ ગામના પ્રજાજનો ભર ચોમાસે છેલ્લા ત્રણ દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે. કીમ ગામના સરપંચના જ વોર્ડના લોકોને છેલ્લા ત્રણ દિવસથી પાણી નહી મળતા ગામની મહિલોએ પંચાયત કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. પાણીની મોટર બગડી જવાથી કીમ ગામના હળપતિવાસમાં પીવાના અને ઘરવપરાશનું પાણી આવતું ન હોવાથી રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા.
કીમ ગામના હળપતિવાસના રહીશો છેલ્લા ત્રણ દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે. સોસાયટીના રહીશો 2 દિવસ અગાઉ પણ પાણી ન આવવાની સમસ્યા બાબતે ગ્રામપંચાયતમાં રજૂઆત કરી હતી અને તે સમયે ગ્રામપંચાયતના સત્તાધીશોએ મોટર બનાવી આપી પાણીની સમસ્યા હલ કરવાની બાહેંધરી આપી હતી, પરંતુ બે દિવસ બાદ પણ તેમની સમસ્યાનો ઉકેલ ન આવતા ગુરૂવારે મહિલા માજી સરપંચની આગેવાનીમાં સોસાયટીની મહિલાઓએ કીમ ગ્રામપંચાયત ખાતે હલ્લાબોલ કર્યો હતો.