સુરત: લોકડાઉન દરમિયાન દેશભરમાં ઉદ્યોગ ધંધા બંધ હતા. પરંતુ સરકારની પરવાનગી બાદ સુરતના સચિન ખાતે આવેલા (Special economic zone) એટલે (SEZ)માં અનેક જેમ્સ એન્ડ જ્વેલરી યુનિટ શરૂ કરવામાં આવ્યા હતા. આ જ કારણ છે કે, જેમ્સ અને જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે અનુમાન લગાવ્યો છે કે, મે મહિનામાં કરોડો રૂપિયાની જ્વેલરી એક્સપોર્ટ કરવામાં આવી છે.
લોકડાઉનમાં પણ સુરત SEZ યુનિટોએ કરોડો રૂપિયાની જ્વેલરી એક્સપોર્ટ કરી - ચેરમેન દિનેશ નાવડિયા
લોકડાઉનના કારણે અનેક ઉદ્યોગ ધંધા બંધ રહ્યા હતા. પરંતુ સુરતના SEZ (Special economic zone)ખાતે આવેલા જ્વેલરી એક્સપોર્ટ યુનિટો શરૂ રહ્યા હતા. જેના કારણે અહીંથી કરોડો રૂપિયાના ડાયમંડ, ગોલ્ડ અને પ્લેટિનમની જ્વેલરી એક્સપોર્ટ કરવામાં આવી છે.
અત્યાર સુધી કસ્ટમ વિભાગ દ્વારા આંકડા બહાર પાડવામાં આવ્યા નથી, પરંતુ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના વેસ્ટ ઝોનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું છે કે, મે મહિનામાં કરોડો રૂપિયાની જ્વેલરી એક્સપોર્ટ કરવામાં આવી છે. એટલું જ નહીં 20થી વધુ જ્વેલરી યુનિટો અહીં શરૂ રહેતા ઉદ્યોગને કોઈ મોટી હાની થઈ નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ડિમાન્ડ જોવા મળી હતી.
દિનેશ નાવડિયાએ વધુમાં જણાવ્યું હતું કે SEZ ખાતે આવેલા આ તમામ યુનિટોમાં ડાયમંડ ગોલ્ડ અને પ્લેટિનમ જવેલરી લોકડાઉનમાં પણ તૈયાર કરી એક્સપોર્ટ કરવામાં આવી છે. જેમની ડિમાંન્ડ સારી રહેતા 18 કલાક સુધી આ યુનિટો શરૂ રહેતા હતા. 18 કલાક સોશિયલ ડિસ્ટનસિંગ અને ગાઈડલાઈનનું પાલન કરી 50 ટકા કર્મચારીઓ સાથે આ યુનિટ શરૂ રાખવામાં આવ્યા હતા અને જ્વેલરી તૈયાર કરાઈ હતી.