સુરત: દેશના 10 લાખથી વધુની વસતી ધરાવતા શહેરોમાંથી સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. જે સુરતવાસીઓ માટે અત્યંત ગૌરવની વાત છે. આ સર્વેના પહેલાના પરિણામોમાં સુરત પ્રથમ ત્રણ માસમાં ત્રીજા, તો બીજા ત્રણ માસમાં તો છેક 20મા ક્રમે હતું. પરંતુ સુરત મનપા દ્વારા શહેરને આગળ લાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા જેનું આખરે સારૂ પરિણામ પ્રાપ્ત થયું છે.
આ અંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે શહેરમાં ઘણા એવા પ્રોજેક્ટો છે જે કચરાના રિડ્યુસ અને રિસાઈકલમાં ઉત્તમ ભાગ ભજવે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ગંદા પાણીને સ્વચ્છ કરવા માટે ટર્શરી પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં ઉદ્યોગોમાંથી નીકળતા ગંદા પાણીને રિટ્રિટ કરવામાં આવે છે. ગંદા પાણીને સ્વચ્છ કરવામાંથી જ મનપા દર વર્ષે 140 કરોડની કમાણી કરી રહ્યું છે. સુરતમાં પાંડેસરા સહિતની જીઆઈડીસીમાં આ પ્રકારે પાલિકા દ્વારા ટર્શરી પ્લાન્ટ મુકવામાં આવ્યાં છે.
થોડા દિવસો અગાઉ જ એક વીડિયો કોન્ફરન્સમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ સુરતના ટર્શરી પ્લાન્ટની કામગીરીને બિરદાવી હતી. આ પ્રોજેક્ટ ઉપરાંત કચરામાંથી કમ્પોસ્ટ ખાતરની બનાવટ, ઘરના કચરામાંથી ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટરનો કોન્સેપ્ટ અમલમાં મુકવો, ગાર્બેઝ સ્ટેશનો પર જ કચરાનું સેગ્રિગેશન, પ્લાસ્ટિક વેસ્ટ અને કન્સ્ટ્રકશન તેમજ ડીમોલિશનવેસ્ટ વગેરે બાબતે મનપાએ કરેલી નોંધપાત્ર કામગીરીને સર્વેમાં સારી એવી પ્રશંસા મળી છે. જેના કારણે પણ સુરતને બીજા નંબરે આવવામાં સરળતા મળી છે. મનપા દ્વારા સુરતમાં ખજોદ ઇકોલોજિકલ સાઈટ પણ બનાવવામાં આવી છે.