- સુરતમાં UK સ્ટ્રેન બાદ આફ્રિકન સ્ટ્રેનનો પગપેસારો
- તાજેતરમાં જ એક દર્દીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
- સુરતના મ્યુનિ. કમિશનરે ટ્વિટ કરી માહિતી આપી
સુરત: કોરોના વાયરસને લઈને સુરતમાં કપરી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. યુ.કે સ્ટ્રેન બાદ હવે આફ્રિકન સ્ટ્રેનનો પ્રથમ કેસ સુરતમાં નોંધાયો છે. આ અંગેની માહિતી પોતે સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ ટ્વિટરના માધ્યમથી આપી છે.
આ પણ વાંચો:સુરત મનપાએ લગ્ન સ્થળે ધન્વંતરી રથ ઉભા રાખીને મહેમાનોના ટેસ્ટ કરાવવા માટેની તૈયારી બતાવી
UK સ્ટ્રેનનાં 5 દર્દીઓ હાલ સારવાર હેઠળ
એક તરફ કોરોના વિરુદ્ધ જંગ જારી છે. ત્યારે બીજી બાજુ UK સ્ટ્રેન બાદ હવે આફ્રિકન સ્ટ્રેનનો સુરતમાં પગપેસારો થઈ ગયો છે. એક મહિના પહેલા જ્યાં સુરતમાં રોજે કોરોના પોઝિટિવ કેસોમાં ઘટાડો થઇને માત્ર 30 જેટલા કેસો રોજ નોંધાઇ રહ્યા હતા. જે ચૂંટણી બાદ 100થી વધુ નોંધાઈ રહ્યા છે. એક તરફ તંત્ર માટે આ ચિંતાનો વિષય છે. ત્યારે બીજી બાજુ UK સ્ટ્રેનના 5 જેટલા કેસો અત્યાર સુધી સુરતમાં નોંધાઈ ચૂક્યા છે. જેની પુષ્ટિ પૂણેની લેબ દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચો:વેક્સિન લીધા પછી પણ સુરત મનપા વિકાસ વિભાગના ત્રણ ઈજનેરોને થયો કોરોના
નવુ વેરિયન્ટ સરળતાથી પ્રસરાય તેવી શક્યતા
સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું છે કે, અત્યારે સુરતમાં કોરોનાના એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં આફ્રિકન સ્ટ્રેન જોવા મળી રહ્યું છે. ખતરનાક કહી શકાય એવા કોરોનાના આ વેરિયન્ટનો ભારતમાં પગપેસારો થઈ ગયો છે. ત્યારે હવે સુરત પણ તેનાથી બાકાત નથી. આફ્રિકાના આ નવા વેરિયન્ટનો દર્દી મળતા પ્રશાસન સતર્ક થઇ ગયું છે. દર્દીને સારવાર હેઠળ ખસેડાયા છે. આ નવું વેરિયન્ટ સરળતાથી પ્રસરાય તેવી શક્યતા દેખાઈ રહી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આવી પરિસ્થિતિમાં લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે.