સૂકો કચરો વેચી કરોડો રૂપિયાની કમાણી કરશે સુરત મનપા - ડ્રાય વેસ્ટનું કરવામાં આવશે વેચાણ
સુરત શહેરમાંથી ભેગા થતા કચરામાંથી ડ્રાય વેસ્ટ અલગ કરીને તેને એકત્ર કરી તેનું વેચાણ સુરત મહાનગરપાલિકા દ્રારા હવે કરવામાં આવશે. સૂકો કચરો વેચીને સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાની કમાણી કરશે. હાલ જ સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત મહાનગરપાલિકાનો દેશમાં બીજો ક્રમ આવ્યો છે. હવે કચરાનો સદુપયોગ કરવા માટે અને કરોડો રૂપિયાની કમાણી કચરાના માધ્યમથી કરવા માટે પાલિકા કટીબદ્ધ થઇ છે.
![સૂકો કચરો વેચી કરોડો રૂપિયાની કમાણી કરશે સુરત મનપા etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8674537-684-8674537-1599203847052.jpg)
સુરત: મહાનગર પાલિકા દરેક વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરતી હોય છે. અને શહેરના જુદા જુદા ટ્રાન્સફર સ્ટેશન પર તેને ભેગો કરે છે ત્યાંથી ડિસ્પોઝેબલ સાઇટ પર કચરાને લઈ જવામાં આવે છે. હવે સુરત મહાનગરપાલિકા શહેરમાંથી ઉલેચાતા કચરામાંથી સુકો કચરો અલગ કરીને તેનું વેચાણ કરશે. શહેરભરમાંથી એકત્ર કરવામાં આવેલા કચરાને સુરતના ત્રણ ટ્રાન્સફર સ્ટેશન પર લઈ જઈ ડ્રાય વેસ્ટને મિકેનાઇઝ રીતે અલગ કરી દેવામાં આવશે. જેથી ડિસ્પોઝલ સાઇટ પર કચરો ઓછો પણ થશે. આ પ્રક્રિયાના કારણે સુરત મહાનગરપાલિકાને કરોડો રૂપિયાની કમાણી થશે આવા પ્રકારની કામગીરી ગુજરાતમાં પહેલીવાર સુરત મ્યુનિસિપલ પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.