સુરત: કોરોના કાળમાં હજારોની સંખ્યામાં લગ્ન પ્રસંગ રદ થયા છે. જેથી લગ્નસરાની સિઝન સાથે સંકળાયેલા વેપારીઓની આર્થિક સ્થિતિ ખરાબ થઇ છે. આ સાથે જ પાર્ટી પ્લોટ, મંડપ ડેકોરેશન, ઇવેન્ટ મેનેજર, બગી, બેન્ડ વાજા, ડીજે, કેટરર્સ વગેરે ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરતઃ મંડપ, ડીજે, ડેકોરેટર્સની આર્થિક સ્થિતિ કફોડી, કલેક્ટરને પાઠવ્યું આવેદન
કોરોના કાળમાં લોકડાઉન અને ત્યારબાદ અનલોક-5 સુધીના સમયમાં મંડપ, ડીજે, ડેકોરેટરનું કામ કરનારા લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. જેથી આજે એટલે કે સોમવારે મોટી સંખ્યામાં આ વેપાર સાથે સંકળાયેલા લોકોએ હાથમાં બેનર-પોસ્ટર લઈ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ આ લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને અત્યાર સુધી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ ઉપરાંત હજારો લોકો બેરોજગાર પણ બન્યા છે. જેથી આજે એટલે કે સોમવારે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સુરત જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ત્યારબાદ આ લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ લોકો જે બેનરો સાથે વિરોધ કરવા આવ્યા હતા. તેમાં લખ્યું હતું કે,'ભાજપાની રેલીમાં 200 લોકોને સામેલ થવા અને ગરબા રમવાની છૂટ મળી શકતી હોય તો નવરાત્રીમાં ગરબા રમવાની છૂટ કેમ ન મળી શકે.'
આ તમામ લોકો દ્વારા માગ કરવામાં આવી છે કે, એક પછી એક દરેક વ્યવસાયને સરકાર દ્વારા ધીરે ધીરે છૂટ આપવામાં આવી રહી છે, ત્યારે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની સાથે અન્યાય ન કરવામાં આવે. નીતિ-નિયમો સાથે તેમનો વ્યવસાય ફરીથી શરૂ કરવા દેવાની અનુમતિ આપવામાં આવે તેવી તેમણે માગ કરી હતી.