સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં આવેલી ડેઝલ જવેલર્સ ફેકટરીમાં મોડીરાત્રે અજાણ્યા શખ્સો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી છે. ચોરીની આ ઘટના નાની મોટી નથી, પરંતુ સવા કરોડ રૂપિયાના સોનાના પાવડરની છે. ઘટના સામે આવ્યા બાદ કંપની અને પોલીસ દોડતી થઇ ગઇ છે. સમગ્ર ઘટનાની માહિતીએ પ્રકારે છે કે, સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ પાસે આવેલી માધવ ચેમ્બરની ડેઝલ જવેલર્સ નામની ફેકટરી આવેલી છે. અહીં સોનાના દાગીના બનાવવામાં આવે છે, જેના માટે સોનુ પીગળાવવામાં આવે છે અથવા તો ઘસવામાં આવે છે.
સુરતમાં તસ્કરો બેફામ, જવેલર્સની ફેકટરીમાં સવા કરોડના 4 કિલોથી વધુના સોનાના પાઉડરની ચોરી - જવેલર્સની ફેકટરી
એક તરફ તો સુરત પોલીસ ચુસ્ત પેટ્રોલિંગ અને સબ સલામતીના દાવા કરે છે, પરંતુ બીજી તરફ સતત શહેરમાં ગુનાખોરી વધી રહી છે. વરાછા વિસ્તારમાં આવેલી ડેઝલ જવેલર્સ નામની ફેકટરીમાં સવા કરોડથી વધુને સોનાના પાઉડરની ચોરી કરવામાં આવી છે. ચોરીની સમગ્ર ઘરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.
જ્યારે સોના ઉપર કામ થતું હોય ત્યારે સોના નો પાવડર નીકળતો હોય છે, શુક્રવારે મોડી રાતેથી શનિવારે વહેલી સવાર દરમિયાન પહેલા માળે આવેલી ફેકટરી પાછળના ભાગમાંથી બે અજાણ્યા શખ્સો ગ્રીલની મદદથી ઉપર ચડયા હતા. કેટરીના અંદરના ભાગમાં આવેલા રૂમમાં જ્યાં સોનાનો પાવડર પડ્યો હતો. ત્યાંથી 4.200 કિલો પાવડરની ચોરી કરવામાં આવી હતી, ચોરીની આ સમગ્ર ઘટના ફેકટરીમાં મૂકેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જ્યારે 2 આરોપીઓ મોઢા પર કપડું બાંધી ચોરી કરી રહ્યા હતા ઘટનાની જાણ થતા ફેક્ટરી માલિકોએ વરાછા પોલીસને જાણ કરી હતી, જેથી ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સૌથી પહેલા સીસીટીવી ફૂટેજ તપાસની શરૂઆત કરી હતી, સાથે જ ફેક્ટરીમાં કામ કરી રહેલા કર્મચારીઓને અટકાવી તેમની પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ચોરી કરવામાં આવેલા સોનાના પાવડરની અંદાજિત કિંમત સવા કરોડ રૂપિયા થઈ રહી છે. પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં ચોરી કરેલા શખ્સ ફેકટરીના કર્મચારીઓ હોવાનું જણાઇ રહ્યું નથી. પોલીસે ફેક્ટરીમાં અગાઉ કામ કરી ચૂકેલા કર્મચારીઓની વિગતો પણ મેળવવાની શરૂઆત કરી છે, તો બીજી તરફ ડોગ સ્કવોડની મદદથી ચોરોને શોધવા માટે દોડધામ કરવામાં આવી રહી છે, પોલીસને આશંકા છે કે, આ ઘટનામાં કોઈ જાણભેદુ સામેલ હોઈ શકે છે, જેથી તમામ દિશાઓમાં હાલ તપાસ કરવામાં આવી રહી છે.
સવા કરોડના સોનાના પાઉડરની ચોરીની ઘટના બાદ આરોપીઓને પકડવા માટે વરાછા પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો તપાસમાં લાગી છે. પોલીસ માની રહી છે કે, કોઈ જાણભેદુ હોવાથી ટૂંક સમયમાં આરોપીઓને પકડી લેવામાં આવશે. જો કે, સતત બની રહેલી ગુનાઓની ઘટનાને કારણે પોલીસ સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. બીજી તરફ ફેક્ટરીમાં આટલી કિંમતી વસ્તુઓ હોવાથી શા માટે સુરક્ષાત્મક પગલા ભરાયા ન હતા તે પણ એક મહત્વની બાબત છે.