- 4 એન્જીનીયર્સે બનાવ્યો દરિયાના ખારા પાણીને મીઠુ કરવાનો પ્લાન્ટ
- આ પ્લાન્ટ સુરતના કાંઠા વિસ્તાર હજીરામાં વિકસાવવામાં આવશે
- પાણીને WHO પ્રમાણે ગુણવત્તા ધરાવતા મિનરલ વોટરની શ્રેણી મળી
સુરત: સંપૂર્ણપણે સોલાર સિસ્ટમથી દરિયાના ખારા પાણીને મીઠુ કરવાનો પ્લાન્ટ સુરતના ચાર એન્જીનિયર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટને ટૂંક સમયમાં સુરતના કાંઠા વિસ્તાર હજીરામાં વિકસાવવામાં આવશે. જેથી દરિયાકાંઠે રહેતી મહિલાઓને મીઠા પાણી માટે અનેક કિલોમીટર દૂર જવાની જરૂરત રહેશે નહીં. દેશનો આ પહેલો સોલાર પ્લાન્ટ છે. જેના થકી ખારા પાણીમાંથી મીઠા થયેલા પાણીને WHO પ્રમાણે ગુણવત્તા ધરાવતા મિનરલ વોટરની શ્રેણી મળી છે.
દરિયાના ખારા પાણીમાંથી બનશે મિનરલ યુક્ત પાણી
સુરતના 4 એન્જિનિયર્સ દ્વારા એક એવો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે સંપૂર્ણ રીતે સોલાર સિસ્ટમથી ચાલે છે. આ પ્લાન્ટ થકી શરૂઆતમાં 15,00 લીટર જેટલું મિનરલ યુક્ત પાણી દરિયાના ખારા પાણીથી તબદીલ થઇ લોકોને મળી રહેશે. સુરતના યશ તરવાડી, ભૂષણ પર્વતે, જ્હાનવી રાણા અને નિલેશ શાહ દ્વારા આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આવનારા વર્ષોમાં જો ભારતમાં પાણીની અછત સર્જાય તો વૈકલ્પિક રીતે કેવી રીતે આ સમસ્યાને દૂર કરી શકાય. આ વિચારથી આ ચારેય એન્જીનિયર્સ દ્વારા આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ભારત દ્વિપકલ્પિય દેશ છે, ત્યારે દરિયાના પાણીનો ઉપયોગ કેવી રીતે પાણીની અછતની સમસ્યાને દૂર કરવા માટે કરી શકાય તેવા ઉદ્દેશથી આ ચારેય એન્જીનિયર્સ દ્વારા સંપૂર્ણ રીતે સોલાર સિસ્ટમથી ચાલતો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
સોલાર થર્મલ ડિ-સેલિટાઇઝેશન પ્લાન્ટ
આ અંગે યશ તરવાડીએ જણાવ્યું હતું કે, અમે સમુદ્રના ખારા પાણીને મીઠા પાણીમાં રૂપાંતર કરે તેવો સોલાર થર્મલ ડિ-સેલિટાઇઝેશન પ્લાન્ટ બનાવ્યો છે. આ પ્લાન્ટની મદદથી દરિયાકાંઠાના કોઈપણ વિસ્તારમાં રહેતા લોકોને મળતા ખારા પાણીને રૂપાંતરિત કરી મીઠુ પાણી આપી શકાય છે. નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે 2030 સુધીમાં ભારતના 40 ટકા લોકોને પાણી મળશે નહીં. વર્ષ 2040 સુધી સંપૂર્ણ ભારતમાં નદીનું પાણી પૂરૂ થઈ જશે. જેનું મુખ્ય કારણ વસ્તીનો વધારો છે. વિશ્વના અન્ય દેશોમાં હાલ જ પાણીની અછત સર્જાય છે. ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં આ સ્થિતિ જોવા મળી છે. લોકોને આપવા માટે ત્યાંના ડેમમાં પાણી નથી. આવી કટોકટી ભારતમાં ન સર્જાય એ માટે આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.