સુરતઃ જિલ્લામાં કોરોના વાઇરસના વધતા કેસને લઈને કુમાર કાનાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હીરા અગ્રણીઓ, વેપારીઓ તથા મેન્યુફેક્ચરિંગ કંપનીના માલિકો હાજર રહ્યાં હતા. હીરા ઉદ્યોગ ચાલુ રાખવો કે કેમ તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
સુરતના હીરાઉદ્યોગો બંધ નહીં થાય, અમને અમારા ઉદ્યોગપતિઓ પર પુરો વિશ્વાસઃ કુમાર કાનાણી - Kumar kanani surat
સુરતમાં દિન-પ્રતિદિન કોરોના વાઇરસના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગતરોજ પણ 265 જેટલા કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હીરાઉદ્યોગની જો વાત કરીએ તો અંદાજિત 800થી વધુ રત્નકલાકારોને કોરોના થઈ ચૂક્યો છે. જેને ધ્યાનમાં રાખી આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
આ ચર્ચા વિચારણામાં હીરા અગ્રણીઓ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જો હીરા ઉદ્યોગ બંધ કરવામાં આવશે, તો કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવશે. સાથોસાથ લાખો રત્નકલાકારો બેકાર પણ બનશે. હાલ જે રીતે હીરા ઉદ્યોગ એક સપ્તાહ માટે બંધ કરવામાં આવ્યું છે. જેને લઈને મોટાભાગના રત્નકલાકારો પોતાના વતન તરફ મીટ માંડી છે, ત્યારે હીરાઉધોગને બચાવવા હોય તો તેને શરૂ રાખવા અપીલ કરી હતી. હાલ મીટીંગ પૂરી થઇ ચૂકી છે.
આરોગ્ય પ્રધાને પત્રકાર પરિષદ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ શરૂ રહેશે. જો કે, આ બંને ઉદ્યોગોમાં નવી ગાઇડલાઇનનું ચોક્કસ પણે પાલન કરવાનું રહેશે. જો ગાઇડલાઈનનું પાલન કરવામાં નહીં આવે તો તાત્કાલિક ધોરણે જે તે એકમ બંધ કરવામાં આવશે.