ગુજરાત

gujarat

ETV Bharat / city

મોંઘીદાટ હોટેલમાં રોકાઈને મોજશોખ માટે લૂંટ કરનારો આરોપી ઝડપાયો - gujarat news

સુરત શહેરના મહિધરપુરામાં 15 લાખ રૂપિયાની રોકડની ચીલઝડપ કરી ફરાર થઇ જનારા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી એક પિસ્તોલ, 4.20 લાખ રૂપિયા રોકડા, એક બાઈક અને બે કારતૂસ કબજે કર્યા છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ મોંઘીદાટ હોટેલમાં રોકાઈને મોજશોખ કરવાની ટેવ ધરાવે છે. પોતાના મોજશોખ પૂરા કરવા આરોપીઓ લૂંટ કરતાં હતાં.

મોધીદાટ હોટેલમાં રોકાઈને મોજશોખ માટે લૂંટ કરનાર ઝડપાયા
મોધીદાટ હોટેલમાં રોકાઈને મોજશોખ માટે લૂંટ કરનાર ઝડપાયા

By

Published : Mar 23, 2021, 7:14 PM IST

Updated : Mar 23, 2021, 7:48 PM IST

  • સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો
  • મોજશોખ પૂરા કરવા કરતો હતો લૂંટ
  • કુલ 5.66 લાખની મત્તા કબજે કરાઈ

સુરતઃસુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે મહિધરપુરામાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 15 લાખ રૂપિયાની કિંમતનો થેલો ઝૂંટવી ફરાર થઇ ગયેલો આરોપી સુરત શહેરમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચના માણસોએ વોચ ગોઠવી પર્વત પાટિયા ગોડાદરા રોડ પાસેથી રાજસ્થાન ખાતે આવેલા જાલોર જિલ્લામાં રહેતાં 23 વર્ષીય અમિત ભગવાનરામ ગેહલોતને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી એક પિસ્તોલ, બે કારતૂસ, 4.20 લાખ રૂપિયાની રોકડ, 1 મોબાઈલ, અને એક નંબર પ્લેટ વગરની બાઈક મળી કુલ 5.66 લાખની મત્તા કબજે કરી હતી.

આ પણ વાંચોઃ સુરત શહેર-જિલ્લામાં ગાંજાના ધંધાના નામીચા આરોપી સુનીલ પાંડીની ધરપકડ કરવામાં આવી

15 લાખની ચીલઝડપનો ભેદ ઉકેલાયો

પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે રાજસ્થાનના જોધપુર ખાતે રહેતા તેના મિત્ર શેખર બિશ્નોઈ સાથે મળી ગત તારીખ 13 માર્ચ, 2021ના રોજ અમદાવાદ ગોમતીપુર વિસ્તારમાંથી એક બાઈકની ચોરી કરી હતી. આ બાઈકની નંબર પ્લેટ કાઢી ફેંકી દીધી હતી અને બાદમાં તે બાઈક પર બેસી સુરત આવ્યા હતા. મહિધરપુરા વિસ્તારમાં આંગડીયા પેઢીના આજુબાજુના વિસ્તારોમાં ફરી અમદાવાદથી ચોરી કરી બાઈક પર આરોપી અમિતે ડ્રાઈવિંગ કરી અને આરોપી શેખર પાછળ બેસી ધોબી શેરી પાસેથી આંગડીયા પેઢીના કર્મચારીના હાથમાંથી 15 લાખ રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી ફરાર થઇ ગયાં હતાં.

મોંધીદાટ હોટેલમાં રોકાઈને મોજશોખ માટે લૂંટ કરનારો આરોપી ઝડપાયો

લૂંટ ચલાવી આરોપીઓ રાજસ્થાનના ઝાલોર ખાતે ગયા

આ બેગ સ્નેચીંગ કરી આરોપીઓ રાજસ્થાનના ઝાલોર ખાતે ગયા હતાં. ત્યારબાદ સુરતમાં ફરી એક વખત લૂંટનું આયોજન કર્યું હતું. શેખરે અમિતને સુરત જવા જણાવ્યું હતું અને તે સીધો સુરત આવશે તેમ જણાવ્યું હતું. જેથી આરોપી અમિત બે કારતૂસ ભરેલી પિસ્તોલ સાથે ચોરીની બાઈક લઈને સુરત આવ્યો હતો. જો કે સુરત આવતાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં પ્રસંગ જવેલર્સમાં લૂંટ કરનાર લૂંટારુઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

મોંઘીદાટ હોટેલમાં રોકાઈને મોજશોખ કરતા હતાં

આરોપી જો સુરતમાં લૂંટ કરવામાં નિષ્ફળ જાય તો મુંબઈ, કર્ણાટક અને દક્ષિણ ભારતમાં નાસી જવાનો પ્લાન હતો. તેમજ આરોપીઓ મોંઘીદાટ હોટેલમાં રોકાઈને મોજશોખ કરવાની ટેવ ધરાવે છે. પોતાના મોજશોખ પૂરા કરવા આરોપીઓ લૂંટ કરતાં હતાં.

ત્રણ ગુનાના ભેદ ઉકેલાયા

આરોપીની ધરપકડ કરી સુરત ક્રાઈમ બ્રાન્ચે DCB પોલીસ સ્ટેશનનો આર્મ્સ એક્ટ, મહિધરપુરામાં થયેલી ચીલઝડપ અને અમદાવાદના ગોમતીપુર પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. વધુમાં આરોપી અગાઉ મહારાષ્ટ્રના ધારાવીમાં અને ઔરંગાબાદ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ઝડપાઈ ચૂક્યો છે. હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Mar 23, 2021, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details