- સુરત ક્રાઈમ બ્રાન્ચે 12 રેમીડેસીવીર ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાં આપ્યા
- 17 એપ્રિલે કાળા બજારના ગુનામાં ઈન્જેકશન કર્યા હતા કબ્જે
- ઈન્જેક્શન હોસ્પિટલમાં આપવા માટે કોર્ટમાં કર્યો હતો રિપોર્ટ
સુરતઃ શહેર ક્રાઈમ બ્રાન્ચે 12 રેમીડેસીવીર ઇન્જેક્શન નવી સિવિલ હોસ્પિટલમાં આપ્યા છે. આ તમામ ઈન્જેકશન કાળા બજારના ગુનામાં કબ્જે કરાયેલા ઈન્જેકશન છે. વૈશ્વિક મહામારી કોરોનામાં રેમીડેસીવીર ઈન્જેકશનની અછત સર્જાય છે. આથી રેમીડેસીવીર ઈન્જેકશનની કાળા બજારી અને ચોરી તેમજ ઈન્જેકશનને લઈ અનેક ગુનાઓ નોંધાય છે.
આ પણ વાંચોઃરાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ હવેથી રેમડેસીવીર ઈન્જેક્શન માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત નહીં
17 એપ્રિલે કાળા બજારના ગુનામાં ઈન્જેકશન કબ્જે કર્યા
17 એપ્રિલે તબીબ અને લેબ સંચાલકો પાસેથી કાળા બજારના ગુનામાં કબજે લીધેલા 12 રેમીડેસીવીર ઇન્જેક્શન કોઈની જીંદગી બચાવવામાં મદદરૂપ થઈ શકે તેવા આશય સાથે ક્રાઈમ બ્રાન્ચે નવી સિવિલમાં તમામ ઇન્જેક્શન જમા કરાવ્યા હતા. 17 એપ્રિલે પુણા ગામની નિત્યા હોસ્પિટલના ભાગીદાર કમ ત્યાં જ મેડિકલ ચલાવતા સંચાલક વિવેક ધામેલીયા, ગોડા દરાની ફ્યુઝન લેબના બે ભાગીદાર શૈલેષ જસા હડીયા અને નીતિન હડીયા કર્મચારી પ્રદીપ ઠાકોર કાતરીયા, એમ.આર.યોગેશ બચુ કવાડ અને દલાલ કલ્પેશ રણછોડ મકવાણાને પકડી લઇ તેમની પાસેથી 12 ઇન્જેક્શન રૂપિયા 2.89 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો.
આ પણ વાંચોઃ સુરત શહેરની પ્રાઇવેટ હોસ્પિટલોને 3,000 રેમડેસીવીર ઇન્જેક્શન અપાશે
ઈન્જેક્શન હોસ્પિટલમાં આપવા માટે કોર્ટમાં રિપોર્ટ કર્યો
આ જપ્ત કરાયેલા ઇન્જેક્શન બાબતે ક્રાઈમ બ્રાન્ચે મોટો નિર્ણય લીધો હતો. કોરોનાની મહામારી વચ્ચે આ ઈન્જેક્શન દર્દીઓ માટે અત્યંત ઉપયોગી હોવાથી મુદ્દામાલ તરીકે જમા રાખવાને બદલે દર્દીઓને ઉપયોગમાં આવી શકે તે માટે સિવિલ હોસ્પિટલમાં આપવા માટે કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો. કોર્ટે પણ પોલીસના નિર્ણયને વધાવી નવી સિવિલ હોસ્પિટલમાં જમા કરાવવા માટે આદેશ કર્યો હતો. ચારેતરફ ઇન્જેક્શનની બૂમ પડી છે અને તેને લઈને ભ્રષ્ટાચાર પણ ખૂબ થઈ રહ્યો છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે કરેલા નિર્ણય ઉપરી અધિકારીઓએ પણ આવકાર્યો હતો.