- વારંવાર રજૂઆત છતાં પણ શાળાઓ દ્વારા ઉઘરાવવામાં આવે છે પઠાની ફી
- કોરોના મહામારીમાં લોકોની આર્થિક સ્થિતિ બની દયનીય
- સરકાર ફીમાં 50 ટકા રાહત આપવાની જાહેરાત કરે : કોંગ્રેસ
સુરતઃ કોરોના કાળમાં દરેક વ્યક્તિની આર્થિક સ્થિતિ નબળી થઇ છે, ત્યારે બીજી બાજુ શાળા દ્વારા મનમાની કરી ફી વસૂલવામાં આવે છે. વારંવાર રજૂઆત છતાં પણ શાળાઓ દ્વારા પઠાની ફી ઉઘરાવવામાં આવે છે. ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ (Surat Congress) દ્વારા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરાઈ છે કે, શાળા અને કોલેજોની ફીમાં 50 ટકા ઘટાડો કરવામાં આવે. આ સાથે જણાવ્યું છે કે, શાળા અને કોલેજો દ્વારા દર વર્ષે ફીમા વધારો કરવામાં આવે છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની સ્થિતિના કારણે લોકોની આર્થિક સ્થિતિ દયનીય બની છે. લોકો બાળકોની ફી આપવાની સ્થિતિમાં નથી જેથી શાળા અને કોલેજોમાં આપવામાં આવતી ફીમાં 50 ટકા ઘટાડો કરવાની જરૂર છે.
માતા-પિતાની 1 લાખથી ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓને લાભ
સુરત કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 1990 પછી સુરતમાં સરકારી શાળા-કોલેજોની સંખ્યામાં વધારો નહિ પણ ઘટાડો થયો છે. સરકારી ગ્રાન્ટથી ચાલતી શાળા-કોલેજોમાં સુવિધાઓનો સંદતર અભાવ છે. સરકારની પરવાનગીથી વેપાર-ધંધાના આશયથી ખાનગી શાળાઓ કોલેજનું નિર્માણ છેલ્લા 30 વર્ષથી થયુ છે. આ માટે હાલની કોરોનાની આર્થિક કટોકટીને ધ્યાને રાખીને ત્રણ વર્ષ માટે સરકારની ગ્રાન્ટ વિના ચાલતી ખાનગી શાળા કોલેજમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને હાલના ધોરણમાં જે વિદ્યાર્થીઓના માતા-પિતાની સંયુક્ત રીતે માસિક આવક એક લાખથી ઓછી હોય એવા વિદ્યાર્થીઓને 50 ટકા રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.