- કોરોનાની ત્રીજી લહેરને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા તૈયારીઓ શરૂ
- બાળકોની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં 100 બેડ વધારાશે
- કોરોનાની સાથે બાળકોમાં MIS-C નામક બિમારીનું સંકટ વધ્યું
સુરત: કોરોનાની ત્રીજી લહેર ( third wave of corona ) ની આગાહીને લઈને સુરત સિવિલ હોસ્પિટલ ( surat civil hospital ) દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેર ( second wave of corona ) દરમિયાન છેલ્લા 3 મહિનામાં સુરતમાં 1661 બાળકો કોરોના સંક્રમિત થતા આવનારી ત્રીજી લહેર માટે વધુ 100 બેડની સુવિધા ઉભી કરવા સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
જિલ્લામાં pediatrician ની અછત
ઓક્ટોબર - નવેમ્બર મહિનામાં કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરવામાં આવી છે. જેમાં બાળકોમાં કોરોના સંક્રમણનું જોખમ વધારે હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. બાળ રોગ નિષ્ણાતો ( pediatrician ) ની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં 300 જેટલા અને જિલ્લામાં 100 જેટલા તબીબો ઉપલબ્ધ છે. શહેર-જિલ્લામાં છેલ્લા 3 મહિનામાં જ 1680 જેટલા બાળકો સંક્રમિત થતા કોરોનાની ત્રીજી લહેરમાં 3 હજારથી વધારે બાળકો સંક્રમિત થાય તેવી સંભાવના છે. જો, કોરોનાના બાળ દર્દીઓની સંખ્યા 3 હજારને આંબી જાય તો 400 જેટલા બાળ રોગ નિષ્ણાતો ઓછા પડી શકે તેમ છે.
શું કહે છે સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ?
"અમને રાજ્ય સરકાર તરફથી કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર વધારે અસર થઈ શકે તેવી સંભાવનાને લઈને 100 બેડની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. આ 100 બેડમાં 20 બેડનો ICU, 20 બેડ ટેપ ડાઉનના અને ઓક્સિજન સુવિધા ધરાવતા 60 બેડનો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલા સ્ટેમસેલ બિલ્ડીંગના 7માં માળે આ સુવિધા ઉભી કરવામાં આવશે. જેના માટે જરૂરી સાધન સરંજમોનું લિસ્ટ બનાવીને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યું છે." - ડૉ. રાગિણી, ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ