સુરત : લોકોને લૉકડાઉનમાં નિયમિત શાકભાજી મળી રહે તે માટે સુરત જિલ્લા કલેકટર, પોલીસ કમિશ્નર અને મનપા કમિશ્નર સહિત એપીએમસી ચેરમેનની બેઠક મળી હતી. બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. એપીએમસી મામલે સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલનું નિવેદન છે કે, એપીએમસી માર્કેટમાં ખેડૂતો પોતાનો શાકભાજીનો માલ ટ્રેકટર, ટ્રક અથવા અન્ય વાહનોમાં લાવી શકશે. એપીએમસીમાંથી શાકભાજી ખરીદવા માત્ર ટ્રક, ટ્રેકટર અથવા 407 ટેમ્પો દાખલ થઈ શકશે. હાથલારી, ટુ-વ્હીલર, ઓટો રીક્ષા, છકડો તેમજ પગપાળા લોકો માટે પ્રતિબંધ રહેશે.
ફરી શરૂ થશે સુરત APMC, લોકો સોશિયલ ડિસ્ટન્સીંગ રાખી ખરીદી કરી શકશે - એપીએમસી ચેરમેનની બેઠક
સુરત APMC માર્કેટમાં ભારે ભીડ અને લૉકડાઉન ભંગના વીડિયો વાઈરલ થયા બાદ માર્કેટ અચોક્કસ મુદત માટે બંધ કરવા તંત્ર દ્વારા નિર્ણય લેવાયો હતો. જો કે, હાલ તંત્રે સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય અને લોકોને શાકભાજીનો પૂરતો જથ્થો મળી રહે તે માટે નિર્ણય લીધો છે.
ખેડૂતો પોતાનો શાકભાજીનો જથ્થો રહેણાંક અથવા સોસાયટીના નાકે વહેંચી શકશે. સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવાની જવાબદારી વેચાણ કરતા અને અન્ય નાગરિકોની રહેશે. મનપા સંચાલિત શાકભાજીના વિક્રેતાઓએ શાકભાજીના જથ્થાની જોઈએ તેટલી જરૂરિયાત અંગેની જાણકારી એક દિવસ અગાઉ એપીએમસીને આપવાની રહેશે. જ્યાં બાદમાં જે તે જથ્થો શાકભાજી માર્કેટ સુધી ટ્રક મારફતે પહોંચડવામાં આવશે.
શહેરમાં નક્કી કરેલા સ્થાન અને સ્થળો પર ખેડૂતો અને કમિશ્નર વિક્રેતાઓ શાકભાજીનું વેચાણ નાના વિક્રેતાઓને કરી શકશે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, હાથલારી, ટેમ્પો, છકડો જેવા વાહનો અને સાધનોમાં શાકભાજી વેંચનાર કાછીયાઓ જ માલ લઇ શકશે, છૂટક વેચાણ કરવામાં આવશે નહીં. ચાલતા ટુ-વ્હીલર અથવા પગપાળા શાકભાજી લેવા માટે લોકોએ જવું નહીં. લોકો સોસાયટી નજીક અથવા મનપા સંચાલિત શાકભાજી માર્કેટમાંથી જ શાકભાજી ખરીદી કરી શકશે.