તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર દિકરીના પિતા જયસુખભાઈ ગજેરા દ્વારા તક્ષશિલા કોમ્પ્લેક્સ કે, જ્યાં ટયુશન ક્લાસ ચાલતા હતા તે ગેરકાયદેસર બાંધકામ ઉભુ કરનાર જીજ્ઞેશ પાઘડારના જામીન રદ કરવા માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. બિલ્ડર હરસુખ વેકરીયા અને જીજ્ઞેશ પાઘડાર દ્વારા ગેરકાયદેસર સ્ટ્રક્ચર ઉભુ કરવામાં આવ્યું હતું. જેમાં ભાર્ગવ બુટ્ટાણી દ્વારા ટ્યુશન ક્લાસ કાર્યરત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરત સેશન્સ કોર્ટ દ્વારા જીજ્ઞેશ પાઘડારના શરતી જામીન મંજૂર કરાયા હતા, જ્યારે હરસુખ વેકરીયાના જામીન ફગાવી દેવામાં આવ્યા હતા.
સુરત અગ્નિકાંડના આરોપીના જામીન રદ કરવા મૃતકના પિતાની હાઈકોર્ટમાં રિટ
અમદાવાદ: સુરત તક્ષશિલા અગ્નિકાંડના કેટલાક આરોપીઓને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં ગેરકાયદે બાંધકામ ઉભુ કરનાર જીજ્ઞેશ પાઘડારના જામીન રદ કરવા મૃતકના પિતા દ્વારા દાખલ કરાયેલી રિટ મુદે જસ્ટિસ એ.વા.કોગ્જે રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માગ્યો છે. આ મામલે 16 ડિસેમ્બરના રોજ વધુ સુનવણી હાથ ધરવામાં આવશે.
સુરત અગ્નિકાંડના પ્રકરણમાં તક્ષશિલા કોમ્પ્લેક્સના બિલ્ડર હરસુખ વેકરીયા, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગ સહિત કુલ 14 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. જે પૈકી ત્રણ આરોપીઓને 2 ડિસેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. હાઈકોર્ટમાં હજી પણ 11 આરોપીઓના જામીન પેન્ડિંગ છે, જેમાં બિલ્ડર હરસુખ વેકરીયા, ફાયર ઓફિસર પરાગ મુન્શી સામેલ છે.
સુરત અગ્નિકાંડને લઈને હાઈકોર્ટમાં હજૂ પણ બે અરજીઓ પેન્ડિંગ છે, જેમાં આરોપીઓને સખ્ત સજા કરવામાં આવે તેવી માગ સાથે મૃતકોના વાલીઓની અને જાહેરહિતની અરજીનો સમાવેશ થાય છે. અગાઉ હાઈકોર્ટે આ મુદે દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી સુરતમાં હાઈ-રાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફટી ઉપકરણના અમલીકરણનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં થયેલા અગ્નિકાંડમાં 22 લોકોના મોત થયા હતા. પોલીસે આ મામલે 11 આરોપીઓની ધરપકડ કરી હતી.