સુરતઃ સેનામાં 19 વર્ષ ફરજ બજાવીને નિવૃત થઈ પોતાના વતન પરત ફરેલા ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામના જવાનનું કીમ ખાતે ગ્રામજનો અને કીમ પોલીસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઉમરાછી ગામના ખેડૂતપુત્ર અને સેનાના જવાન ધર્મેન્દ્ર આહીર સેનાની નોકરી દરમિયાન અલગ અલગ સરહદી વિસ્તારમાં ફરજ નિભાવી ચુક્યા છે.
ભારતીય સેનાના વીર જવાનો પોતાના પરીવારથી દુર રહી દેશની સેવા માટે હમેશા ખડે પગે રહે છે. દેશ માટે જીવ ન્યોચ્છાવર કરનારા અને બલિદાન આપનાર વીર જવાન જયારે સિંહની જેમ સરહદ પર ઉભા હોય છે, ત્યારે જ દેશમાં શાંતિ જળવાય છે. ઓલપાડ તાલુકાના ખેડૂતપુત્ર અને ભારતીય સેનાના સૈનિક ધર્મેન્દ્ર સેનામાં 19 વર્ષ પોતાની ફરજ બજાવી નિવૃત થઇ શનિવારે વતન પરત ફર્યા હતા. તેઓના વતન પરત ફરતા કીમના ગ્રામજનો અને કીમ પોલીસ દ્વારા તેમનું ફૂલોથી અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યા હતું.