સુરત : કોરોના સંક્રમિત દર્દીઓની હિંમત અને કોરોના વોરિયર્સ ડોક્ટર્સ જ્યારે જોશ સાથે પોતાની શક્તિ કામે લગાડે છે. ત્યારે કોરોનાને પણ હાર માનવી પડે છે. સુરતની સિવલ હોસ્પિટલમાંથી કોરોનાને માત આપી અનેક દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફરી રહ્યા છે. ત્યારે એક કિસ્સો ખુબ પ્રેરણા પુરી પાડે છે. 62 વર્ષીય કૌશલ સિંહ પ્રાઇવેટ કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેમને કોરોના સંક્રમિત થતા એમનું ઓક્સિજન લેવલ ઓછું થઇ ગયું હતું. જેથી ૨૮ દિવસ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ મોતને માત આપી જિંદગીને ગળે લગાડી છે.
પતિ-પત્ની બંન્નેને કોવિડ વોર્ડમાં દાખલ
વર્ષોથી પાંડેસરાના ગણેશનગરમાં રહેતા કૌશલ સિંહને છાતીમાં દુ:ખાવો, ખાંસી, તાવ જણાતા પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લીધી હતી, પરંતુ શ્વાસ લેવામાં તફલીફ વધતાં તબીબની સલાહથી સિવિલ હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટીવ આવ્યો સાથે તેમના પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જેથી પતિ-પત્ની બંન્નેને કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બન્નેનું ઓક્સિજન લેવલ ઓછું હોવાથી ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.