છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે. જેના કારણે નાના કારખાનાઓ બંધ થયા છે. જ્યારે મોટાભાગના કારખાનામાંથી રત્નકલાકારોને છુટા કરવામાં આવી રહ્યાં છે. રત્નકલાકારોને છુટા કરવામાં આવતા પ્રતિદિન તેઓની આત્મહત્યાના કિસ્સાઓ પણ વધી રહ્યાં છે. અત્યાર સુધી પુરુષ રત્નકલાકારોના આપઘાતના કિસ્સા બનતા હતા, પરંતુ આજે રત્ન કલાકારની પત્નીના આપઘાતે લોકોને હચમચાવી દીધા છે.
મંદીના કારણે સુરતમાં રત્ન કલાકારની પત્નીએ કર્યો આપઘાત - suratpolice
સુરત: હીરા ઉદ્યોગ વિશ્વભરમાં ફેલાયેલો છે. સુરતમાં હીરા ઉદ્યોગ અંદાજે 10 લાખ કારીગરોને રોજગારી પૂરી પાડે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીના વમળમાં ફસાયો છે. જેના કારણે કારખાનાના માલિકોએ રત્નકલાકારોને છુટા કર્યા છે. જેના કારણે બેરોજગારીમાં અચાનક મોટો વધારો થયો છે. દિવસેને દિવસે રત્નકલાકારોની સ્થિતિ કફોડી બની રહી છે. વર્ષ 2008ની જેમ જ મંદીના માહોલનું પુનરાવર્તન થઈ રહ્યું હોય તેમ લાગતા અનેક રત્નકલાકારોએ આપઘાત કર્યા છે. બુધવારે ફરી રત્ન કલાકારની પત્નીએ આપઘાત કરતા ચકચાર મચી છે.
મોટાભાગના નાના-નાના હીરાના કારખાનાઓ બંધ થયા છે. જેના કારણે હીરાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા લોકોને પોતાના પરિવારનું ભરણ પોષણ કેવી રીતે કરવું તે સવાલ હેરાન કરી રહ્યો છે. મંદીના માહોલમાં રત્નકલાકારોને છૂટા કરાતા પરેશાન રત્ન કલાકારો આપઘાતને માર્ગે વળી રહ્યા છે. જે કર્મચારીઓને એક દિવસના 500 થી 700 રૂપિયાનું કામ મળતું હતું. તેવા કર્મચારીઓ આજે 200 થી 300 રૂપિયાનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવી રહ્યાં છે. ઉપરાંત ઘણા હીરાના નાના કારખાનેદારોને પોતાના ખાતાઓ બંધ કરવાની ફરજ પડી છે. જેથી રત્નકલાકારોમાં બેરોજગારીનું પ્રમાણ એ હદે આવી ચૂક્યું છે કે, રત્નકલાકારોને માત્ર આપઘાતનો જ રસ્તો દેખાઈ રહ્યો છે.
ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંક જણાવ્યું હતું કે, સુરતમાં છેલ્લા 2 મહિનામાં જેટલા રત્નકલાકારોએ આપઘાત કર્યા છે. જેમાં મોટાભાગે યુવા રત્નકલાકારનો સમાવેશ થાય છે.
- રાજુભાઈ ખેની (30)
- મુકેશ પરમાર (34)
- બંટી રાણા(20)
- મનીષ દેસાઈ(42)
- મનોજ ઓઠવ(40)
- સૂર્યકાંત વાઘેલા(36)
- રોહિત ડાભી(21)
- ગૌતમ સુરાણી(26)
- ભાવેશ સોલંકી(21)
- ગૌરવ ગજ્જર(35)
- વિશાલ જાદવ(21)
- શંકર વાઘેલા(23)
- હિરેન સુહાગીયા(28)
- રાજેશ વાઘેલા(45)
- શૈલેષ વસાવા(30)
- મગન દૂધાત(50)
- જયેશ શિંગાળા(41)
- નયન લખાણીયા(22)
- અરવિંદ કાનાણી(40)
- જયસુખ ઠુમમર(50)
- હેમંત સોલંકી(21)
- કેશુ ડાભી(48)
- જયશ્રી રાવલ (રત્નકલાકારની પત્ની,40)નો સમાવેશ થાય છે.