સુરતઃ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગુરુવારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, સરકારના આદેશ મુજબ લોકડાઉન દરમિયાન બંધ રહેલા હીરા કારખાના માલિકો દ્વારા રત્ન કલાકારોને પગાર ચૂકવવામાં આવે. આ સાથે જ હક્ક રજાનો પણ લાભ આપવામાં આવે. આમ છતાં 100 કામદારોને ફરજ પરથી છૂટા કરવામાં આવ્યા છે.
સુરતમાં રત્ન કલાકારોને નોકરીએ પરત લેવા કલેક્ટરને રજૂઆત - ડાયમંડ વર્કર યુનિયન
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એક ડાયમંડ કંપની દ્વારા 100 જેટલા રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે. આ તમામ રત્ન કલાકારો સુરત ડાયમંડ વર્કર યુનિયનની ઓફિસે પોહચ્યા હતા. જેથી સુરત ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રત્ન કલાકારોને નોકરીએ પરત લેવામાં આવે તેવી રજૂઆત કરી છે.
આ અંગે સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપ-પ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, લોકડાઉન બાદ કેટલીક ડાયમંડ કંપનીઓ દ્વારા રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે. જે કંપનીઓના નામ સાથેની યાદી પણ અમારી પાસે છે. કતારગામની રામ ઈંપેક્સ કંપનીએ અઠવાડિયા અગાઉ 100 જેટલા કર્મચારીઓને છૂટા કરી દીધા છે.
કલેક્ટરને આવેદન આપતાની સાથે જ, કંપની યુનિયન સાથે વાટા-ઘાટો કરવા આવી છે. જે અંતર્ગત શનિવાર સુધીમાં કંપની મધ્યસ્થી બેઠક બોલાવશે. જેથી આશઆ છે કે, આ બેઠકમાં છૂટા કરાયેલા રત્ન કલાકારોને પરત લેવામાં આવશે.