- બારડોલી ટાઉન હોલ ખાતે યોજાયું આદર્શ મતદાન મથકનું નિદર્શન
- મતદાન મથક કેવું હોવું જોઈએ તેની જાણકારી અપાઈ
- ચૂંટણી કાર્યમાં જોડાનારા કર્મચારીઓને તાલીમ અપાઈ
બારડોલીમાં આદર્શ મતદાન મથકનું નિદર્શન યોજાયું
બારડોલી: સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા મોટાપાયે તૈયારીઓનો દોર શરૂ થયો છે. બારડોલી નગરપાલિકાના ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર વી.એન.રબારીની દેખરેખ હેઠળ બુધવારના રોજ સરદાર ટાઉન હોલ ખાતે ચૂંટણી કર્યા સાથે જોડાયેલા કર્મચારીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદાન કેન્દ્ર પર કઈ રીતે કામગીરી કરવી તે અંગેની સમજ આપવામાં આવી હતી.
આદર્શ મતદાન મથક કેવું હોવું જોઈએ?
આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી નિરીક્ષકની સૂચના મુજબ મતદાન કેન્દ્રનું નિદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં આદર્શ મતદાન કેન્દ્ર કેવું હોવું જોઈએ અને કઈ કઈ સુવિધાઓ હોવી જોઈએ તે વિશે જાણકારી આપવામાં આવી હતી. આ આદર્શ મતદાન કેન્દ્રમાં કોરોના ગાઈડલાઈન સાથે બહારની બાજુ આરોગ્યની ટીમ દ્વારા દરેક મતદારોનું સ્ક્રીનીંગ, સેનિટાઇઝરની સુવિધા તેમજ હેન્ડગ્લોવઝના વિતરણ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે.
આદર્શ મતદાન મથકની બહાર સેલ્ફી પોઇન્ટ
આ ઉપરાંત સેલ્ફી પોઇન્ટની પણ સુવિધા ઉપલબ્ધ હોય તો અહીં લોકો મતદાન કર્યા પછી 'મેં મતદાન કર્યું, તમે પણ કરશો' એવી ફ્રેમ સાથે ફોટો પાડી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. મતદાન કેન્દ્રની અંદરની તરફ પણ ચોક્કસ અંતરે અધિકારીઓ અને પોલિંગ કર્મચારીઓ દ્વારા પોલિંગ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું દેખાડવામાં આવ્યું છે.