તાપીઃ જિલ્લાના સોનગઢ તાલુકાના એક સમયના જંગલ વિસ્તાર ગણાતા ઓટા-મલંગદેવ પંથક સહિતના 50 જેટલા ગામોમાં પીવાના પાણી બાબતે દર વર્ષે ગંભીર જળસંકટ ઉભું થતું હતું. આ ગામોમાં વસવાટ કરતા ગ્રામજનોને માટે સરકાર દ્વારા ગામ દીઠ બે-ત્રણ દિવસે 10,000 લીટરની ક્ષમતા સાથેનું એક ટેન્કર પાણી મોકલવામાં આવતું હતું. ટેન્કર પાછળ સરકારને દર વર્ષે દોઢ કરોડનો ખર્ચ થતો હતો. સ્થાનિકો હિજરત કરવા પર મજબૂર થઇ ગયા હતા. મહારાષ્ટ્રથી પાણી આવતું પરંતુ આ વર્ષે સરકારની વિવિધ યોજનાઓ જેમાં મનરેગા, સુજલામ સુફલામ અને સિંચાઈ યોજનાઓ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી, જેમાં 40 થી વધુ તળાવો બનાવીને તેને ઊંડા કરવાની સાથે સાથે તેના પાળા પણ મજબૂત કરવામાં આવ્યા છે. જેના કારણે આ વર્ષે આ વિસ્તારમાં કોઈપણ જાતની પાણીની સમસ્યા ઊભી થઈ નથી અને સરકારનો દોઢ કરોડ જેટલો ખર્ચ બચી જવા પામ્યો છે.
હવે તાપી જિલ્લાના 50 ગામના લોકો પાણી માટે હિજરત નહી કરે, તંત્રે 40 થી વધુ તળાવો બનાવ્યા માર્ચથી જ બોર અને કૂવામાં પાણીના તળ ઊંડા ઉતરી જતા પાણી મળતું બંધ થઇ જતું હતું. પાણી પૂરવઠા વિભાગ દર વર્ષે એપ્રિલ માસની શરૂઆતથી પાણીના ટેન્કર દોડાવવાનું શરૂ કરતા હતા. ગામમાં કે ફળિયામાં ટેન્કર આવતા જ મહિલાઓ અને બાળકો ખાલી બેડા અને સાધનો લઈ દોટ મૂકતા હોય છે. ત્યારે 1-2 બેડું પાણી નસીબ થતું હતું. આ ગામોમાં પીવાના પાણી સમસ્યા નિવારવા માટે સરકાર કટિબદ્ધ બની હતી અને તેમણે મનરેગા, જળસંચય યોજના, સુજલામ સુફલામ અને સિંચાઇની યોજનાઓ હેઠળ તળાવ બનાવવાની શરૂઆત કરી હતી સાથે જ આ તળાવો માંથી પાણી વહી ના જાય તે માટે વેસ્ટ વિયર નિર્માણ કર્યુ. જેથી પાણી વહી ન જાય. આ સમગ્ર કામગીરી તાપી જિલ્લા કલેક્ટર સહિત સિંચાઇ વિભાગ વન વિભાગ અને પાણી પુરવઠા વિભાગનો સહયોગ રહ્યો છે. 488 ગામડામાં આવેલા 17682 હેડપંપમાંથી 2925 જેટલા હેડપંપ રીપેર પણ કરવામાં આવ્યા છે. જેના કારણે હવે લોકોને પીવાના પાણી માટે દૂર સુધી પગપાળા ચાલી ને જવું પડતું નથી.તાપી જિલ્લાના મલંગદેવ પંથકના બોરથવા, ઓટા, રાસમાટી, સિનોદ, ઘૂસરગામ, સાદડુન, લાંગડ, માળ, પહાડદા, કરવંદા, ખપાટિયા અને મલંગદેવ જેવા ગામોમાં પીવાના પાણી માટે ગંભીર સમસ્યાના કારણે ઘણા લોકો રોજીરોટી માટે ગામ છોડીને જતા રહેતા હતા. ઘણીવાર મહારાષ્ટ્રથી પણ પાણી મંગાવવું પડતું હતું. જો કે, સરકાર દ્વારા આ તળાવો બનાવવાની કામગીરી કરવામાંં આવી અને તેને ઊંડા કરવામાં આવ્યા ત્યારબાદ વરસાદની સિઝનમાં તેમાં પાણીનો ભરાવો શરૂ થયો અનેેેે પાણીનું સ્તર પણ ઊંચું આવ્યું છે. જેના કારણે ગામ લોકોને હવે પીવાના પાણીની અને ખેતી માટે પૂરતું પાણી મળી રહ્યું છે.
સુરતથી શ્વેતા સિંઘનો વિશેષ અહેવાલ...