- અધિકારીઓ દ્વારા શાકભાજી ફેરિયાઓની હેરાનગતિ
- શ્રમજીવી SMC અધિકારીના પગ પકડીને લારી ન લઇ જવા માટે હાથ જોડે છે
SMCઅધિકારીએ એક ન સાંભળી અને તેની લારી લઇ ગયાં
સુરત : એક તરફ કોરોનાની મહામારીને લઈને દરેક લોકોની આર્થિક રીતે હાલત કફોડી બની છે ત્યારે સુરતમાં SMC દબાણખાતાની દાદાગીરી સામે આવી રહી છે. એક ટાઈમનું કમાઈને એક ટાઈમનું પેટીયું રળતા લોકોને દબાણખાતાની ટીમ ખોટી રીતે હેરાનગતિ કરી રહી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે સુરતમાં આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક શ્રમજીવી અધિકારીના પગ પકડીને લારી ન લઇ જવા માટે હાથ જોડે છે. તે રીતસરનો રડે છે. પણ અધિકારીએ તેની એક ન સાંભળી અને તેની લારી લઇ ગયાં હતાં.
સુરતમાં કોરોનાને લઇ વિવિધ નિયમનો હેઠળ રોડ પર પાથરણું કરી અથવા લારી ચલાવી શાકભાજી વેચતા લોકોને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાનું સામે આવી રહ્યું છે. ભૂતકાળમાં તેને લઈને અનેક ઘર્ષણના બનાવ પણ સામે આવી ચૂક્યા છે ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે. સુરતના લીંબાયત-ડીંડોલી વિસ્તારમાં SMC દબાણખાતાની ટીમ દ્વારા એક શ્રમજીવીની લારી ઉચકી લેવામાં આવી હતી. જેને લઈને શ્રમજીવીએ લારીને પકડી રાખી હતી અને લારી ન લઇ જવા શ્રમજીવી આજીજી કરતો હતો. પરંતુ અધિકારી સાથે રહેલા તેમના માણસોએ રીતસરની દાદાગીરી કરી હતી. એટલું જ નહીં શ્રમજીવી અધિકારી અને ત્યાં હાજર લોકોને બે હાથ જોડી પગ પકડે છે અને કહે છે કે સાહેબ મારે બે બાળકો છે અને મારે આજે ધંધાનો પહેલો દિવસ છે. હું આવી ભૂલ નહીં કરું મને જવા દો વગેરે જેવી આજીજી કરી હતી. પરંતુ અધિકારીએ તેની એક સાંભળી ન હતી અને તેની લારીને ઉચકીને લઇ ગયાં હતાં. આ વીડિયો વાયરલ થતા દબાણખાતાની આવી કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે
લારી ફેરિયાઓની હેરાનગતિનો વિરોધ