સુરત: સુરતની મીના મહેતાને લોકો તેમના નામ થી નહીં પરંતુ 'પેડ દાદી' તરીકે ઓળખે છે. અને આ વાત હવે દેશના વડાપ્રધાનને પણ ખબર પડી ગઈ છે. સુરતની પેડ દાદીને અને તેમના દ્વારા કરવામાં આવતા ભગીરથ કાર્યને દેશ અને દુનિયાના લોકો ઓળખે આ માટે તેઓની દ્વારા શરૂ કરાયેલા#SheInspiresUs ઝુંબેશમાં ખાસ ઉલ્લેખ કર્યો છે. હવે પ્રશ્ન એ છે કે, આખરે આ પેડ દાદી છે કોણ ? જેનો ઉલ્લેખ PM મોદીના મન કી બાત ટ્વિટર હેન્ડલથી કરવામાં આવ્યો છે. મીના મહેતા દર મહિને સરકારી શાળાની 5000 ગરીબ વિદ્યાર્થીનીઓ અને યુવતીઓને નિઃશુલ્ક સેનિટરી પેડની કીટ આપે છે. જેનો ઉલ્લેખ પણ ટ્વિટમાં મેજિકલ કીટ તરીકે કરવામાં આવ્યો છે. છેલ્લા સાત વર્ષથી સુરતના સરકારી શાળા અને અર્ધસરકારી શાળાની મહેતા દંપતી દર મહિને વિઝીટ કરે છે અને ત્યાં ભણતી વિદ્યાર્થીનીઓને સેનિટરી પેડ ભેટ કરે છે. સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ પેડ દાદી અત્યાર સુધીમાં 4 લાખ દિકરીઓને આ સેનિટરી પેડ સહિતની આ મેજિકલ કીટ આપી ચુકી છે. તેમના કાર્યની સરાહના અક્ષય કુમારે પણ કરી છે.
માનુની ટ્રસ્ટથી આ ભગીરથ કાર્ય તેઓ કરી રહ્યા છે. તેમના આ કાર્યથી પ્રેરિત થઈ ટ્રસ્ટને અક્ષય કુમારે 5 લાખનું યોગદાન પણ આપ્યું હતું.એક સામાન્ય ઘરેલુ મહિલાથી 'પેડ દાદી' બનવા અંગેની સફર બાબતે મીના મહેતાએ જણાવ્યું હતું કે, એક વખત તેઓએ એક કિશોરી ને કચરા પેટીમાંથી વાપરવામાં આવેલી સેનિટરી પેડ કાઢતા જોઈ હતી.જ્યારે તેમને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તે કિશોરી એ જણાવ્યું હતું કે, સેનિટરી પેડ ખરીદવા માટે તેની પાસે પૈસા નહોતા. જેથી વાપરવામાં આવેલા સેનિટરી પેડ પાણીથી ધોઈ તેને ફરીથી વાપવરવાના હતા. આ ઘટનાથી વિચલિત થઈ મીના મહેતાએ જરૂરિયાતમંદ કિશોરીઓને સિનિટરી પેડ આપવાનું વિચાર્યું હતું.જેને સાત વર્ષ થઈ ગયા છે. આ અભિયાન વર્ષોથી ચાલી રહ્યું છે.માત્ર સેનિટરી પેડ નહીં આ યુવતીઓ હાઇજિન પ્રત્યે જાગૃત થાય એ માટે અમે તેઓને અન્ડરગારમેન્ટ, શેમ્પુના પાઉચ સહિત સાબુ પણ આપીએ છે.