- સુરત ભાજપમાં મહામંત્રી તરીકે તમામ નવા ચહેરાને તક આપવામાં આવી
- બારડોલી નગર સંગઠન પ્રમુખને જિલ્લામાં ઉપપ્રમુખની જવાબદારી સોંપાઈ
- 21 સભ્યોની ટીમમાં સાત મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો
બારડોલી: સુરત જિલ્લા ભાજપાના નવનિયુક્ત પ્રમુખ સંદીપ દેસાઈએ તેમની નવી ટીમની જાહેરાત કરી હતી. મહત્ત્વની ગણાતી મહામંત્રીના પદ પર તમામ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશ પટેલ, માંગરોળ તાલુકાનાં દીપક વસાવા અને ઓલપાડ તાલુકાના યોગેશ પટેલને મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સુરત જિલ્લા ભાજપમાં છેલ્લા ઘણા સમયથી પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની નિમણૂક અંગેની અટકળોનો આજે સંપૂર્ણ અંત આવ્યો હતો. નવા વરાયેલા પ્રમુખ સંદીપ દેસાઈએ પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા કરી ગુરુવારે પોતાની ટીમ જાહેર કરી હતી, જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષની વરણી કરવામાં આવી છે.
સુરત જિલ્લા ભાજપના પદાધિકારીઓની વરણીમાં યુવાઓનો ડંકો વાગ્યો જ્ઞાતિ, મંડળ અને મહિલાઓનું ખાસ ધ્યાન રાખી સંતુલન જાળવવાનો પ્રયાસ વરણીમાં જ્ઞાતિ, મંડળ અને મહિલાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્રણ મહિલાઓને ઉપપ્રમુખ અને ત્રણ મહિલાઓને મંત્રીની જવાબદારી જ્યારે કોષાધ્યક્ષની જવાબદારી પણ એક મહિલાને સોંપવામાં આવી છે. સંદીપ દેસાઈ દ્વારા વરણીમાં સંતુલન જાળવવામાં આવ્યું હોવાનું જાણકારો માની રહ્યા છે. બીજી તરફ પૂર્વ મહામંત્રી અશ્વિન પટેલ અને મહેશ વસાવાને પડતા મૂકવામાં આવ્યા છે. મહામંત્રી તરીકે નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં બારડોલી તાલુકા ભાજપના માજી પ્રમુખ અને બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશ એન. પટેલ, માંગરોળ તાલુકાના દિપક વસાવા અને ઓલપાડ તાલુકામાંથી યોગેશ પટેલને મહામંત્રી તરીકે વરણી કરાય છે.
ઉપપ્રમુખ પદમાં પણ કરાયા મોટા ફેરફાર
આ ઉપરાંત ઉપપ્રમુખ પદ પર પણ ફેરફારો જોવા મળી રહ્યા છે. બારડોલીના ભરત દવેનું પત્તું પણ કાપી નાખવામાં આવ્યું છે. તેમની જગ્યાએ બારડોલીમાંથી વર્તમાન નગર ભાજપ પ્રમુખ અજિતસિંહ સુરમાને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પલસાણા તાલુકામાંથી કેતન પટેલ, મહુવામાંથી તુષાર પટેલ, માંગરોળમાંથી અનિલ શાહ, માંડવીમાંથી રોહિત પટેલ, કામરેજ તાલુકામાંથી રચના પટેલ, બારડોલી તાલુકામાંથી પુષ્પા ચૌધરી અને કામરેજ તાલુકામાંથી લક્ષ્મીબેન પરમારની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
મંત્રી પદની જવાબદારી આઠ સભ્યોના શિરે
જ્યારે મંત્રી તરીકે બારડોલીના બચુ પટેલ, ઉમરપાડાના રામસિંગ પટેલ, ચોર્યાસીના છોટુ પટેલ, માંડવીના ગણેશ ગામીત, ચંદુ ચૌધરી, મહુવાના રોશની પટેલ, તરસાડીના ઈન્દિરા સાપરિયા અને ઓલપાડના ભક્તિ પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે પલસાણાના પુષ્પા મિસ્ત્રીને કોશાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપાય છે.