સુરત: શહેરમાં ભારે વરસાદ વચ્ચે છત્રી લઈ ATMમાં પ્રવેશેલા તસ્કરે યુક્તિપૂર્વક ATMને ખોલી 24 લાખથી વધુની રકમ ચોરી કરી ફરાર થયો હતો. આ સમગ્ર ઘટના અંગે અડાજણ પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટીમ આરોપીને પકડી પાડવા માટે કામે લાગી હતી. પોલીસે ATMના આસપાસના CCTV ફુટેજની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
પોલીસે સાથે જ SBI બેંકના મેનેજર, કર્મચારી તેમજ પૂર્વ કર્મચારી સહિત સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરી હતી. આ ઘટનામાં આરોપીની ઓળખ સ્પષ્ટ રીતે ન થતાં પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ હતી. જો કે, બાદમાં પોલીસે મળેલ બાતમી અને CCTV ફૂટેજના આધાર-પુરાવા પર નાનપુરા વિસ્તારમાં આવેલ ધતીગરા સ્ટ્રીટમાં રહેતા અને કેશવેન એજન્સીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ખુમાભાઈ રતનભાઈ પરમારની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.