આ વાયરલ વીડિયોમાં મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે જીભાજોડી કરતી હોવાનું નજરે પડે છે.
સુરતમાં ટ્રાફિક પોલીસ અને મહિલા વચ્ચે હાથચાલાકી, વીડિયો વાયરલ
સુરતઃ ટ્રાફિક નિયમનમાં નવા કાયદા લાગુ થયા બાદ ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો અવાર-નવાર સામે આવી રહ્યાં છે. સુરતમાં રોડ પર ટ્રાફિક પોલીસ કર્મચારીએ એક મહિલાને કારના કાળા કાંચ હોવાથી અટકાવી હતી. ત્યારબાદ મહિલાએ ટ્રાફિક પોલીસ જોડે જીભાજોડી કરી હુમલો કરી દીધો હતો અને બાદમાં મહિલા જાતે બેભાન થઈ જમીન પર ઢળી પડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશીયલ મીડિયા વાયરલ થયો છે.
માહિતી પ્રમાણે, આ વીડિયો સુરતના ઉધના દરવાજા નજીક આવેલ ટ્રાફિક પોઇન્ટ પરનો હોવાનું બહાર આવ્યું છે. જ્યાં એક મહિલા પોતાની ફોર વ્હીલ કાર લઈ પસાર થઈ રહી હતી, તે દરમિયાન પોઈન્ટ પર હાજર પોલીસ કર્મચારી શૈલેષે કારના કાચ કાળા હોવાથી અટકાવી હતી. જે બાદ ટ્રાફિક નિયમનના કાયદાનો ભંગ કરવા બાદલ દંડની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ મહિલાએ એકાએક પોલીસ કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી કરી અચાનક હુમલો કરી દીધો હતો. ત્યારબાદ મહિલા બેભાન થઈ જમીન પર ઢળી પડતા સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ પર હુમલાની આ ઘટનાને અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.