- સુરતના ઉધોગપતિ વિરલ દેસાઈની અનુકરણીય પહેલ
- 'આઝાદી કા અમૃત મહોત્સવ’ ને સમર્પિત છે આ વર્ષની થીમ
- ‘ટ્રી ગણેશા’ માં તેમની સાથે ગુજરાત સરકારનું વન વિભાગ પણ સત્તાવાર રીતે જોડાયેલું છે
સુરત: ભારત સરકાર દ્વારા આ વર્ષે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. વિરલ દેસાઈએ આ વર્ષના ‘ટ્રી ગણેશા’ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ને સમર્પિત કર્યા છે અને ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન’ ની થીમ રાખી પર્યાવરણ જાગૃતિના કાર્યો કરી રહ્યા છે. તેમની આ થીમ અંતર્ગત તેઓ પંદર હજારથી વધુ રોપાઓનું વિતરણ કરી રહ્યા છે. બે અર્બન ફોરેસ્ટ તૈયાર કરશે અને વિવિધ સ્કૂલો સાથે ઓનલાઈન માધ્યમથી સંકળાઈને પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે જાગૃતિના કાર્યો કરી રહ્યા છે.
ગાંધીજી અને સરદાર અહીં કરે છે કાલ્પનીક સંવાદ
‘ટ્રી ગણેશા’ ના ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન’ ની થીમમાં ગણેશ પંડાલમાં મહાત્મા ગાંધી અને સરદારની પ્રતિમાઓ મૂકવામાં આવી છે અને વૈકુંઠમાં બેઠેલા ગાંધી અને સરદાર પર્યાવરણની ગંભીરતા વિશે ચર્ચા કરી રહ્યા છે અને તેઓ સંવાદના માધ્યમથી પ્રદૂષણની સામે સત્યાગ્રહ આદરવા માટે લોકોને પ્રેરણા આપી રહ્યા છે. સાથે જ અહીં પંડાલમાં ‘વોલ ઑફ ક્લાઈમેટ ક્રાઈસીસ’ અને ‘વોલ ઑફ હોપ’ નામની બે દીવાલો રાખવામાં આવી છે. જેમાં એક તરફ પર્યાવરણમાં થયેલી ખુંવારી અને હાલમાં માનવજાતની સામે ઊભી રહેલી સમસ્યાઓને દર્શાવવામાં આવી છે. તો એક તરફ વ્યક્તિગત ધોરણે કયા પગલાં લઈ શકાય અને પર્યાવરણ શુદ્ધિમાં પોતાનું યોગદાન આપી શકાય તે વિશેની માહિતી આપવામાં આવી છે.