- સંત વિશ્વનાથ અવધૂતજી મહારાજે ગુરૂદેવ અવધૂત આશ્રમમાં અંતિમ શ્વાસ લીધો
- તેઓ દત્તભક્તિની પરંપરામાં રંગ અવધૂત સ્વામી મહારાજના ગુરૂશિષ્ય હતા
- આવતીકાલે એટલે કે 11 ફેબ્રુઆરીએ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે
સુરતઃ સુરતમાં આવેલા તેમના આશ્રમ ગુરૂદેવ અવધૂત આશ્રમ રામનગર પર આજે તેમના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. તેમનો પાર્થિવ દેહ અંતિમ યાત્રા દ્વારા બારડોલી લઈ જવામાં આવશે. અહીં પણ ભક્તો તેમના અંતિમ દર્શન કરી શકશે. ગુરુવારે બપોરે 3 વાગ્યા પછી બારડોલી માંજ હરીપુરા પાસે તાપી નદીના કાંઠે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. તેઓ અખિલ ભારત સાધુ સમાજના પશ્ચિમી ઝોનના અધ્યક્ષ વિશ્વનાથ અવધૂત રાષ્ટ્રીય સંત હતા.
દેશભરમાંથી સાધુ-સંતોથી માંડી બનારસ અને અન્ય યુનિવર્સિટીના વિદ્વાનો તેમની પાસે માર્ગદર્શન મેળવવા આવતા
સુરત જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં વિશાળ ભક્ત સમુદાય ધરાવતા અને બાપજીના નામથી જાણીતા વિશ્વનાથ અવધૂતજી દત્તાવતાર વાસુદેવાનંદજી સરસ્વતી મહારાજની કર્મઠ પરંપરાના વાહક હતા. દેશભરમાંથી સાધુ-સંતોથી લઈને બનારસ હિન્દૂ યુનિવર્સિટી અને દેશની અન્ય યુનિવર્સિટીના વિદ્વાનો, જિજ્ઞાસુઓ શાસ્ત્રોના ગૂઢાર્થને પામવા સત્સંગ તથા માર્ગદર્શન મેળવવા આવતા હતા. કર્મકાંડી પંડિતો વેદજ્ઞાનો પણ શાસ્ત્ર જાણવા તેમ જ માર્ગદર્શન માટે બાપજીનો અભિપ્રાય અવશ્ય લેતા હતા.
વિદ્યાર્થીઓને જ્ઞાન સહાય જેવી અનેક પ્રવૃત્તિઓ આજે પર્યત્ કાર્યરત્ છે
ભારતીય સંસ્કૃતિના નિયમો ઉપર ચલનારા એવા સંત જ્યોતિર્ધર સાધુઓના આદરણીય, મૌલિક સંશોધનની દિવ્ય વિચારધારાનો સુબોધજન સમાજને અર્પનાર તેમજ ગૌ સેવા સાધુ સેવા અને સમાજ સેવા માટે નિરંતર પ્રવૃત્ત રહેતા હતા. તેમના માર્ગદર્શન હેઠળ ગૌ શાળા, તબીબી સેવા કેન્દ્ર, વિદ્યાર્થીઓને જ્ઞાન સહાય જેવી અનેક પ્રવૃત્તિઓ આજે પર્યત્ કાર્યરત્ છે. સંત વિશ્વનાથ બાપજી સત્સંગમાં શાસ્ત્રોની ગૂઢ વાતોને સરળ અને સહજ લોક ભાષામાં વણી લેતા, જેથી ભક્તો કલાકો સુધી તેમનો સત્સંગ માણવા બેસતા હતા.