- પોલીશિંગ માટે વિદેશથી આવતાં રફના જથ્થામાં કોરોના દરમિયાન ઘટાડો થયો
- રફ હીરાની અછતના કારણે ફરી એક વખત ભાવમાં અંદાજે 20થી 25 ટકાનો વધારો
- બે થી ત્રણ મહિના રફની ખરીદી અટકાવવાનું પ્લાનિંગ ઉદ્યોગકારો કરી રહ્યા છે
સુરત : કોરોનાની મહામારીમાં મોંઘવારી સતત વધી રહી છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયની વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે, ત્યારે પોલીશિંગ માટે વિદેશથી આવતાં રફ હીરાના જથ્થામાં કોરોનાકાળ દરમિયાન ઘટાડો થયો છે. આમ રફ હીરાની અછતના કારણે ફરી એક વખત ભાવમાં અંદાજે 20થી 25 ટકાનો વધારો આવ્યો છે. ત્યારે બેથી ત્રણ મહિના રફની ખરીદી અટકાવવાનું પ્લાનિંગ ઉદ્યોગકારો કરી રહ્યા છે.
રફ ડાયમંડના ભાવમાં 25 ટકાનો વધારો આ પણ વાંચો- રફ ડાયમંડની માગ વધતા સુરતનો હીરા ઉદ્યોગ થયો ધમધમતો, જુઓ વિશેષ અહેવાલ
વિદેશની માઇન્સમાંથી રફ હીરાનો પુરવઠો ઓછો છે
મહત્વની વાત એ છે કે, વિદેશના અનેક દેશોમાં કોરોનાની ગાઈડલાઈન ખૂબ કડક છે, જેના કારણે વેપારીઓ અને કારખાનેદારોએ રફની ખરીદી માટે વિદેશ જવાનું ઓછું કરી દીધું છે, જેના કારણે પણ રફ હીરાની આવકમાં ફરક પડયો છે. કોરોનાની મહામારીના બીજા તબક્કા બાદ હવે પરિસ્થિત ધીમે-ધીમે થાળે પડી રહી છે, ડાયમંડ મેન્યુફેક્ચરીગ એકમ ફરી શરૂ થઈ ગયા છે. નાના, મધ્યમ અને મોટા એકમોમાં તૈયાર હીરાનું ઉત્પાદન ખુબ જ જોરમાં છે. જેના કારણે રફ હીરાની માંગ વધી છે, જો કે, બીજી તરફ રફ હીરાની અછતના કારણે ભાવ વધી ગયા છે. ત્યાંજ વિદેશની માઇન્સમાંથી રફ હીરાનો પુરવઠો ઓછો છે અને છેલ્લાં થોડાં મહિનાથી પોલિશની માંગ નીકળી છે.
આ પણ વાંચો- રફ ડાયમંડની ઓનલાઇન ખરીદી પર વસૂલાતો બે ટકા ટેક્સ રદ્દ કરવા માટે સાંસદ દર્શના જરદોશે કરી કેન્દ્રીય નાણાં પ્રધાનને રજૂઆત
દિવાળી સુધીમાં રફ ડાયમંડના ભાવ નીચે આવશે
જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિમાં અંદાજ અનુસાર 25થી 30 ટકા રફનો પુરવઠો કોરોનાકાળ પછી ઓછો થયો છે, જેના કારણે નાના અને મધ્યમ કારખાનેદારો તથા રફ હીરાના વેપારીઓ રફ ખરીદી માટે વિદેશ જઇ શકતા નથી. ફ્લાઇટની સગવડ અત્યારે નથી, તેની અસર પણ રફ હીરાના પુરવઠા પર જોવાઇ છે. જો કે, જેમ-જેમ વિદેશમાંથી રફ ડાયમંડનો જથ્થો આવતો જશે, તેમ-તેમ ભાવ ફરી નીચે આવશે. હીરા ઉદ્યોગકારોએ પણ વિચારી રહ્યા છે કે, રફ ડાયમંડની કિંમત નીચે લાવવા માટે આગામી ત્રણ મહિના માટે તેઓ વિદેશમાંથી રફ હીરાની ખરીદી નહીં કરે. જેના કારણે દિવાળી સુધીમાં રફ ડાયમંડના ભાવ નીચે આવશે અને તેમને તહેવારનો લાભ મળશે.