- વિધિવત રીતે મુહૂર્ત સાથે પરિવાર સાથે પૂજા વિધી કરી
- પ્રદીપસિંહ જાડેજા રહ્યા હાજર
- રવિવારના દિવસે રાજેન્દ્ર ત્રિવેદીએ રાજ્યના મહેસૂલ પ્રધાન તરીકેનો ચાર્જ લીધો
ગાંધીનગર: રાજ્યના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં રવિવારે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ચાર્જ લીધો હતો. જેમાં તેઓ ચાર્જ લેતાની સાથે જ એક્શન મોડમાં નજરે પડ્યા હતા. જેમને આગામી સમયમાં અન્ય ક્યાં કામોને પહેલા પ્રાધાન્ય આપશે તેના વિશે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. જેમાં રાજેન્દ્ર ત્રિવેદીએ પણ વિધિવત મુહૂર્ત પ્રમાણે પરિવાર સાથે પૂજા વિધિ કર્યા બાદ પોતાની ચેર પર બેઠા હતા. જેમને સચિવાલય ખાતે એસ.એસ.વનના બીજા માળે ઓફિસ ફાળવવામાં આવી છે.
રાજેન્દ્ર ત્રિવેદીએ સંભાળ્યો ચાર્જ લોકોને સરળતાથી ન્યાય મળે તે અમારી પ્રાથમિકતા રહેશે: રાજેન્દ્ર ત્રિવેદી
મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, રાજ્યના લોકોની સુખાકારી માટે વિભાગો કામ કરતા હોય છે. કાયદો નાગરિકોને સરળતાથી પ્રાપ્ત થાય અને લોકોને સરળતાથી ન્યાય મળે અને ઝડપી ન્યાય મળે તે અમારી પ્રાથમિકતા રહેશે. તે હેતુથી વકીલો સાથે કોન્ફરન્સ કરીશું. આ પહેલા સારા કાયદાઓ લાવવામાં આવ્યા છે. ગુનેગારોને રાજ્ય છોડવા મજબૂર કરનારા કાયદાઓ લાવીશું. જ્યાં જ્યાં આ પ્રકારના કાયદાઓની જરૂર પડશે ત્યાં કાયદાઓમાં સુધારા વધારા કરીશું.
રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસૂલ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો જમીનના વેચાણ બાદ નોંધણીની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે: રાજેન્દ્ર ત્રિવેદી
વધુમાં મહેસુલ પ્રધાને જણાવ્યું કે, આવનારા દિવસોમાં ક્લેક્ટર અને મામલતદાર સાથે વીડિયો કૉન્ફ્રરન્સ યોજાશે. જમીનના વેચાણ બાદ નોંધણીની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે. તે પ્રકારના પ્રયાસો કરીશું. હું જલ્દી જ કલેક્ટરો સાથે મિટિંગ શરૂ કરીશ. હક પત્રકની નોંધ બાબતે પણ કાળજી લેવામાં આવશે. હકપત્રકમાં અધિકારી દ્વારા નોંધ લેવામાં નહિ આવી હોય તો ખાતાકીય કાર્યવાહી કરીશ. બિન ખેતી લાયક જમીનમાં અનેકપ્રશ્નો ઉભા થયા છે. તેનું પણ નિવારણ લાવવામાં આવશે. વહીવટી કાર્યોમાં ગતિશીલતા આવે અને લોકો માટે સારું શું કરી શકીએ તેને લઈને કાર્યો કરીશું.
રાજેન્દ્ર ત્રિવેદીએ સંભાળ્યો ચાર્જ રાજ્યના તમામ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે થશે: રાજેન્દ્ર ત્રિવેદી
મહેસુલ પ્રધાને જણાવ્યું કે, રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે લોકોને હાલાકી પડી છે. રાજ્યના તમામ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે થશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તાઉતે વાવાઝોડામાં અનેક લોકોએ સારા કામ કર્યા છે. વાવાઝોડામાં 50 હજાર લોકો તૈયાર થયા છે. જેથી હવેથી તેઓ સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં "આપદા મિત્ર" તરીકે કામ કરશે. જેમાં આપવામાં આવેલી કેશડોલમાં આજે કોઈ બાકાત નથી રહ્યું. તમામ લોકોને સહાય ચૂકવાઈ ગઈ છે. મહેસુલ વિભાગમાં આવનારા દિવસોમાં કડક રીતે કામો હાથ ધરવામાં થશે. મારે મીડિયાના માધ્યમથી તમામ જનતા કાર્યકર્તાઓ કે કર્મચારી કે અધિકારીઓને વિનંતી કરવાની છે કે, સરકાર જે દિશામાં ચાલતી હતી એ જ દિશામાં અમે બધા ચાલવાના છીએ. વિચારો એજ છે ચહેરા બદલાયા છે. બુકે અને મિઠાઇ લઇને શુભેચ્છા આપવા આવવુ નહી. હુ બુકે નહી સ્વીકારું. આજ પછી બુકે સાથે આવવું નહી એટલી મારી નમ્ર વિનંતી છે.