બારડોલી (સુરત): અરબ સમુદ્ર પર સર્જાયેલા પશ્ચિમી વિક્ષેપને કારણે બારડોલી સહિત જિલ્લામાં 21 અને 22 એપ્રિલના રોજ છૂટોછવાયો અતિ હળવાથી હળવા વરસાદની આગાહી (Rainfall forecast in Surat) કરવામાં આવી છે. આ દરમિયાન તાપમાનમાં ઘટાડો થવાથી લોકોને ગરમીથી રાહત મળશે. બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થશે. ખાસ કરીને કેરી પકવતા ખેડૂતો માટે કમોસમી વરસાદ મુશ્કેલી ઊભી કરી શકે છે.
ખેડૂતોની ચિંતા વધી -ભારત મોસમ વિભાગે આગામી દિવસોમાં સુરત જિલ્લામાં તારીખ 20થી 24 એપ્રિલ સુધી આકાશ વાદળછાયું રહેવાની તેમ જ 21 અને 22 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરી છે. તેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વરસાદ અને પવન ફૂંકાવાથી કેરીના પાકને (Rainfall forecast in Surat) નુકસાન થઈ શકે છે. ત્યારે ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન રાખવાની તકેદારી બાબતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા (Instruction to farmers by Krishi Vigyan Kendra) સૂચનો જારી કરવામાં આવ્યા છે.
માંડવી અને માંગરોળમાં વધુ ઝડપથી પવન ફૂંકાઈ શકે છે -21થી 23 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 22 એપ્રિલ બાદ માંડવી અને માંગરોળ સિવાયના તમામ તાલુકામાં ભેજના પ્રમાણમાં ઘટાડાની શકયતા છે. જિલ્લામાં આ દિવસો દરમ્યાન સરેરાશ 12.1 થી 18.1 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તે ઉપરાંત માંડવી અને માંગરોળ તાલુકામાં વધુ ઝડપે પવન ફૂંકાય શકે છે. માંડવી તાલુકામાં 22થી 30 કિમી પ્રતિ કલાક અને માંગરોળ તાલુકામાં 18 થી 22 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.