- રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપી
- રાહુલ ગાંધીએ તેમના પર લાગેલા આરોપ ખોટા ગણાવ્યા
- આ મામલ ે12 જૂલાઈના રોજ ફરીથી દલીલો થશે
સુરત: રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી સમાજ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેના વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. જેને લઈને આજે 24 જૂને રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપી છે. રાહુલ ગાંધી માનહાનિમા કેસમાં કોર્ટમાં નિવેદન આપી, મોદી સમાજ પર વિવાદિત ટિપ્પણીને લઈ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવેલા આરોપો નકાર્યા છે. આ મામલે 12 જુલાઈના રોજ ફરીથી દલીલો થશે.
રાહુલ ગાંધીના સુરતમાં આગમન પૂર્વે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ પહોચ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ સુરતમાં મીટીંગ પણ યોજી હતી. તેમજ એરપોર્ટ સહિત કોર્ટમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Rahul Gandhi: માનહાનિના કેસમાં સુરત કોર્ટમાં હાજરી આપશે
જાણો શું છે સમગ્ર મામલો...
13 એપ્રિલ 2019માં કર્ણાટકના કોલારમાં લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતના ચીફ કૉર્ટમાં માનહાનિનો દાવો કર્યો છે. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી. આ કેસની વધુ સુનવણી માટે આજે 24 જૂને રાહુલ ગાંધી સુરત આવી ગયા છે. સવારે 11 વાગ્યાથી કોર્ટમાં કેસને લઈ સુનવણી હાથ ધરવામાં આવશે. રાહુલ ગાંધીના આગમન પૂર્વ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સુરત આવી પહોચ્યા હતા. અમિત ચાવડા, પરેશ ધનાણી સહિતના નેતાઓ આવી પહોચ્યા હતા. સુરતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક પણ યોજાઈ હતી.
કોરોના મહામારી અંગે રાહુલ ગાંધી અગાઉથી આપી હતી ચેતવણી-અમિત ચાવડા
આ કેસ અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અનીતિ, અસત્ય અને અધર્મ સામે દેશના સામાન્ય લોકોનો આવાજ બનતા લોક નેતા રાહુલ ગાંધીને બદનામ અને હેરાન પરેશાન કરવા માટે આ ખોટા માનહાનીના કેસ કરવામાં આવ્યા છે. સમગ્ર શહેર કોંગ્રેસ સમિતિ અને સુરતના પ્રજાજનો દ્વારા સત્યની લડાઈ માટે રાહુલ ગાંધી સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે તેઓના સમર્થનમાં સૌ લોકો જોડાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી માટે રાહુલ ગાંધીએ અગાઉથી જ ચેતવણી અને સૂચનો આપ્યા હતા પરંતુ સરકારે તે ધ્યાનમાં ન લીધું હતું અને તેનું પરિણામ લોકોની સામે છે. આવનારા સમયમાં દેશને વિઝન વાળા નેતૃત્વની જરૂર છે. અને આ નેતૃત્વ રાહુલ ગાંધી પાસે છે.
આ પાંચ પોઇન્ટ પર કાર્યકર્તાઓ દ્વારા કરાયુ ભવ્ય સ્વાગત
કોર્ટ માં સુનાવણીની પ્રક્રિયા માટે સુરત એરપોર્ટ ખાતે રાહુલ ગાંધી પહોંચ્યા હતા અને એરપોર્ટથી લઇ કોર્ટ સુધીના આ પાંચ પોઇન્ટ એરપોર્ટ,ONGC બ્રિજ નીચે, ગોવર્ધન હવેલી પાસે, SVNIT કોલેજ નજીક અને પૂજા અભિષેક બિલ્ડીંગ પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
નોટબંધી દરમિયાન પણ રાહુલ ગાંધી બદનક્ષીના કેસમાં અમદાવાદ કોર્ટમાં હાજર થયા હતા
રાહુલ ગાંધી પર નોટબંધી દરમિયાન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેન્ક(ADC)માં ચલણી નોટો બદલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને લઈ અમદાવાદ ડિસ્ટ્રિકટ બેન્ક દ્વારા રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલા પર મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો. ત્યારે શનિવારે એટલે કે 17 ઓક્ટોબર, 2020ના રોજ કોર્ટમાં રાહુલ ગાંધીને હાજર રહેવામાંથી મુક્તિ આપવાની અરજી પર સુનાવણી થશે. જો કે, 10 ઓકટોબર 2019ના રોજ રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં સુનાવણી વખતે હાજર રહ્યા હતા, ત્યારે તેમણે કોર્ટ સમક્ષ આ આક્ષેપોને નકાર્યા હતા. રાહુલ ગાંધી પર બે કેસ નોંધવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃરાહુલ ગાંધીના બદનક્ષી કેસ મામલે આજે કોર્ટમાં સુનાવણી, શું રાહુલ ગાંધી રહેશે હાજર?